આસોપાલવ દુકાનમાં બે પેરના રૂ.1350ના ભાવ કહ્યા બાદ રૂ.3000નું બિલ બનાવતા વિવાદ: “લુખ્ખીના ઘરે રહેતા હોય તો કપડા લેવા ન અવાય” કહી સ્ટીલના પાઇપ સાથે દોડ્યો
Rajkot,તા.27
શહેરની ગુંદાવાડી બજારમાં આસોપાલવ નામની દુકાનમાં બિલની રકઝક બાબતે વેપારી બંધુ અને મહિલા કર્મચારી સહિતનાએ શિક્ષિકા તેના પતિ અને પરિવારજનો સાથે મારમારી કરી હતી. ઝઘડમાં સાત વર્ષના બાળકને લાફો મારી દીધો હતો. આ અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. વધુ વિગત મુજબ શહેરના નવા થોરાળા શેરી નંબર 4 માં રહેતા કાજલબેન મેહુલભાઈ ચૌહાણ નામની ખાનગી સ્કૂલમાં શિક્ષકે ભકિતનગર પોલીસ મથકમાં ગુંદાવાડી મેઇન રોડ પર શુભ રેસીડેન્સીમાં રહેતા અને આસોપાલવ નામની દુકાનના વેપારી પ્રશાંત મનસુખાઈ દેસાઈ, ભાઇ આશિષભાઈ દેસાઈ અને પ્રશાંતભાઈની દુકાનમાં કામ કરતી મહિલા સહિતના શખ્સોએ કપડાના ની ખરીદીના બિલ બાબતે ઝઘડો કરી માર મારી ધમકી આપ્યા અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે
ગઇ તા.૨૩/૦૮/૨૦૨૬ ના રોજ તે તથા તેના પતિ મેહુલભાઈ,પુત્ર ધ્વનીત (ઉ.વ.૭) બહેન મનિષાબેન (ઉ.વ.૨૭), મનિષાબેનની દિકરી વેદિકા (ઉ.વ.૦૩) બધા ગુંદાવાડી શેરી નંબર ૧૭ માં આવેલી આસોપાલવ નામની દુકાનમાં કપડાની ખરીદી કરવા ગયા હતા. જે કપડાની પેર ગમતી હતી તે પેરના ભાવ પુછતા કપડા બતાવનાર મહિલા સ્ટાફે એક પેરના રૂ. ૧૩૫૦ કહ્યા હતાં. જેથી મારી પસંદગીની કપડાની બે પેર લઈને બિલ માટે કાઉન્ટરે ગયા હતાં. બિલ જોતા ૩૦૦૦ રૂપિયાનું બિલ બનાવેલ હોય જેથી ફરિયાદીએ કાઉન્ટરે હાજર વેપારીને કહ્યું હતું કે, મને કપડા બતાવનાર મહિલા સ્ટાફે એક પેરના ૧૩૫૦ રૂપિયા કહ્યા છે. જેથી બે પેરના રૂપિયા ૨૭૦૦ થાય, તમે તો ૩૦૦૦ રૂપિયાનું બિલ બનાવ્યું છે. જેથી મારે કપડા નથી લેવા તેમ કહી દુકાનમાંથી નીકળી ગયા હતાં. દરમિયાન વેપારીએ શિક્ષિકાને કહ્યું હતું કે તમને શું પ્રોબ્લેમ છે. તે વાત કરતા મહિલાએ વેપારીને કહ્યું હતું કે તમે બિલમાં વધારે ભાવ લગાડ્યો છે જેથી મારે કપડા નથી લેવા. તેમ વાત કરતા કાઉન્ટરે હાજર વેપારીએ કહ્યું હતું કે, તમને શરમ નથી આવતી, અમારો એક કલાકનો સમય બગાડ્યો.જેથી મહિલાના પતિએ વેપારીને કહ્યું હતું કે, તમે ગ્રાહક સાથે આવી રીતે વાત ન કરી શકો.બાદમાં અહીંથી નીકળી ગયા હતાં. જેથી વેપારીએ કહ્યું હતું કે, લુખ્ખીના ઘરેજ રહેતા હોય તો તમારે કપડા લેવા અવાય જ નહીં તેમ કહ્યા બાદ વેપારી સ્ટીલનો પાઈપ લઈને મારવા દોડયો હતો. મહિલાના પતિએ પણ સ્વબચાવમાં શેરીમાં પડેલ ઈંટનો કટકો હાથમાં ઉપાડતા વેપારી પાસેથી તેમના સ્ટાફે પાઈપ લઈ લેતા વેપારીએ અહીં આવી મહિલાના પતિ સાથે મારામારી કરવા લાગ્યો હતો. મહિલા વચ્ચે પડતા વેપારીએ તેમને ધક્કો મારતા હાથના અંગુઠામાં તથા બન્ને પગમાં ઇજા થઇ હતી. વેપારીએ ફોન કરી તેમના ભાઈને બોલાવતા થોડીવારમાં તેનો ભાઇ આવી ગયો હતો. મહિલાના પતિ સાથે મારામારી કરવા લાગ્યો હતો. વેપારીના ભાઈએ રાહુલભાઈ તથા પાયલબેન સાથે પણ મારામારી કરી પાયલબેનનો કાંઠલો પડકી લીધો હતો. દરમિયાન મહિલાનો સાત વર્ષનો પુત્ર ધ્વનીત વચ્ચે પડતા વેપારીના ભાઈએ તેને લાફો મારી દીધો હતો. અને કહેવા લાગેલ કે તમને બધાને તો જોઈ લેવા છે.દરમિયાન ૧૧૨ આવી જતા ફરિયાદી તથા વેપારી તથા તેમના ભાઈને ભક્તિનગર પોલીસ સ્ટેશન લઈ ગયા હતાં. બાદમાં મહિલાએ આ ફરિયાદ નોંધાવી છે.

