Ayodhya,તા.17
રામમંદિરમાં 25 નવેમ્બરે ધ્વજારોહણ સમારોહ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય સમારોહની ગરિમા સાથે યોજવામાં આવશે. વૈદિક પરંપરાઓ અને આધુનિક શિષ્ટાચાર વચ્ચે સવારે 11 વાગ્યાથી બપોરે 1.30 વાગ્યે નિર્ધારિત શુભ મુર્હુતમાં ધ્વજારોહણની પ્રક્રિયા સંપન્ન કરવામાં આવશે. આ સમયગાળામાં પસંદ કરાયેલ 30 મીનીટના શ્રેષ્ઠ મુર્હુતમાં ધ્વજ લહેરાવવામાં આવશે. મુહુર્ત બપોરે 12થી12.30 વાગ્યા દરમિયાન હશે.
વડાપ્રધાન મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સ્વતંત્રતા દિવસને અનુરૂપ જ ધ્વજ લહેરાવવાની પ્રક્રિયા પુરી કરશે. ધ્વજને વૈદિક મંત્રો સાથે સલામી આપવામાં આવશે. શંખનાદ, ઢોલ-નગારા અને મંગલ વાદ્ય ધ્વનિ પુરા પરિસરમાં ગુંજશે. ધ્વજ લહેરાતા જ મંદિર પરિસરમાં ઘંટ-ઘડિયાળ વાગવા લાગશે.
સમારોહને એ શિષ્ટાચાર સાથે આયોજીત કરવામાં આવી રહ્યો છે, જે રાષ્ટ્રીય પર્વોમાં જોવા મળે છે. ધ્વજારોહણની પુરી પ્રક્રિયા સેનાના અધિકારીઓની હાજરીમાં કરવામાં આવશે.પરિસરને પારંપરિક ધ્વજો, પુષ્પ અને દીપથી સજાવવામાં આવશે. પુરા શહેરમાં સુરક્ષા, અવર-જવર અને આગંતુકોની સુવિધાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
રામમંદિરના ધ્વજારોહણ સમારોહમાં 25 નવેમ્બરે આગમન દરમિયાન વડાપ્રધાન મોદીનો રોડ શો પણ યોજાઈ શકે છે. રામમંદિરમાં સુરક્ષા વ્યવસ્થાને સખ્ત કરીને ટ્રસ્ટ અને પ્રશાસને મોટો નિર્ણય લીધો છે.
ધ્વજારોહણ સમારોહમાં આવનાર કોઈપણ મહેમાનોને મોબાઈલ ફોન સાથે પ્રવેશની મંજુરી નહીં મળે. શરૂઆતમાં છુટ હતી પણ દિલ્હીમાં વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારવાની ભલામણ કરતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
25 નવેમ્બરે રામમંદિરમાં ધ્વજારોહણ સમારોહ દરમિયાન પીએમ મોદી સંઘ પ્રમુખ ભાગવત ઉપરાંત મુખ્યમંત્રી યોગી, રાજયપાલ આનંદીબેન પટેલ સહિત આઠ હજાર મહેમાનો સામેલ થશે.

