Macay,તા. 24
ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને રવિવારે એક ઇનિંગ્સ અને 51 રને કચડી નાખ્યું આ મેચનું પરિણામ જોઈને લાગતું નથી કે આ કોઈ ટેસ્ટ મેચ છે. માત્ર બે દિવસ ચાલેલી આ મેચમાં માત્ર 750 બોલ ફેંકવામાં આવ્યાં.
જેમાં ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 10 વિકેટ ઝડપી યજમાન ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. આ સાથે જ યજમાન ટીમે બે મેચની સિરીઝ 1-1થી સરભર કરી દીધી. સ્ટાર્કને પ્લેયર ઓફ ધ મેચ સાથે સિરીઝમાં 12 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ પણ પસંદ કરવામાં આવ્યો.
મિચેલના `પરફેક્ટ ટેન’
સ્ટાર્કે પોતાની તૂફાની સ્પીડ સાથે શાનદાર સ્વિંગ અને સીમના દમ પર મેચમાં 51 રન આપીને 10 વિકેટ ઝડપી. તેમણે પહેલી ઇનિંગ્સમાં 12 રનમાં છ અને બીજી ઇનિંગ્સમાં 39 રનમાં ચાર વિકેટ લીધી.
પેટ કમિન્સ (ત્રણ વિકેટ) અને નાથન લિયોન (ત્રણ વિકેટ) એ પણ ત્રણ-ત્રણ વિકેટ લઈને સ્ટાર્કને સારો સાથ આપ્યો. બાંગ્લાદેશની બીજી ઇનિંગ્સ 38.3 ઓવરમાં 95 રન પર સમેટાઈ ગઈ.
કેપ્ટન નજમુલ હુસેન શાંતોએ 31 રન બનાવ્યા, જ્યારે મુશફિકુર રહીમ 29 રન પર અણનમ રહ્યા. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન બેવડા આંકડા સુધી પણ પહોંચી શક્યો નહીં.
ચોથી વાર દસ વિકેટ
સ્ટાર્કે ટેસ્ટમાં ચોથી વાર મેચમાં 10 વિકેટ ઝડપી. તે દક્ષિણ આફ્રિકાનાં દિગ્ગજ ડેલ સ્ટેનને પાછળ છોડીને ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારાં બોલરોની યાદીમાં 10મા સ્થાને પહોંચી ગયાં. તેમનાં નામે હવે 445 વિકેટ છે. ઓસ્ટ્રેલિયાએ સવારે આઠ વિકેટ પર 165 રનથી રમતાં પહેલી ઇનિંગ્સમાં 210 રન બનાવીને 146 રનની મહત્વપૂર્ણ સરસાઈ મેળવી હતી.
ટેસ્ટ ક્રિકેટની ચોથી સૌથી ટૂંકી મેચ
માત્ર બે દિવસમાં 750 બોલમાં પૂરી થયેલી આ મેચ બોલની દ્રષ્ટિએ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બીજી અને ટેસ્ટ ક્રિકેટની કુલ ચોથી સૌથી ટૂંકી ટેસ્ટ છે. આ પહેલા 1931-32માં MCG માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ માત્ર 656 બોલમાં સમાપ્ત થઈ ગઈ હતી.
સાથે જ, આ ઓસ્ટ્રેલિયામાં બે દિવસની અંદર પૂરી થયેલી પાંચમી ટેસ્ટ છે. જેમાં ચાર તો છેલ્લા પાંચ સત્રમાં રમાઈ છે.

