Colombo, તા. 24
શ્રીલંકાનાં પ્રવાસે ગયેલી ભારતીય ટીમ તરફથી સ્પીનર માનવ સુથારે પ્રથમ ટેસ્ટ મેચમાં કુલ 10 વિકેટ ઝડપીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ શું તમે જાણો છો કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક મેચમાં સૌથી વધુ વખત 10 વિકેટ લેવાનો રેકોર્ડ કયા બોલરના નામે છે?
આ રેકોર્ડ શ્રીલંકાના ભૂતપૂર્વ મહાન ઓફ-સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે, જેમણે પોતાના કરિયરની 133 ટેસ્ટ મેચોમાં સૌથી વધુ 22 વખત એક મેચમાં 10 વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે.
ટેસ્ટ મેચમાં સૌથી વધુ વખત 10 વિકેટ ઝડપનારા ટોચના પાંચ બોલરોની યાદીમાં મુરલીધરન પછી ઓસ્ટ્રેલિયાના દિવંગત સ્પિનર શેન વોર્ન આવે છે, જેમણે 145 મેચમાં 10 વખત આ પરાક્રમ કર્યું છે.
ન્યુઝીલેન્ડના રિચર્ડ હેડલી 86 મેચમાં 9 વખત અને શ્રીલંકાના રંગના હેરાથ 93 મેચમાં 9 વખત 10 વિકેટ ઝડપીને બીજા અને ત્રીજા ક્રમે છે. જ્યારે ભારતના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિને 106 મેચમાં 8 વખત એક મેચમાં 10 વિકેટ ઝડપીને આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
બીજી તરફ, જો ટેસ્ટ ક્રિકેટની કોઈ એક જ ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લેવાની વાત કરવામાં આવે તો ક્રિકેટના ઇતિહાસમાં આ કરામત માત્ર ત્રણ જ બોલરો કરી શક્યા છે.
ઇંગ્લેન્ડના જેમ્સ લેકરે સૌપ્રથમ 1956માં ઓસ્ટ્રેલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ ભારતના અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામે અને ન્યુઝીલેન્ડના એજાઝ પટેલે 2021માં ભારત સામે એક જ ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો.

