એન્જિનિયરિંગએ વિકસાવેલા ડેટાની ચોરી કરવામાં એકાઉન્ટન્ટ સહિત 5 સામે ગુનો નોંધાયો હતો
Rajkot,તા.19
લોધીકા પંથકની એન્જિનિયરિંગ પેઢીમાંથી ગ્રાહકોના નામ સરનામા, પેઢીએ વિકસાવેલી ઓટોમેટિક મશીનરી સહિતના ઉપયોગી મહત્વના ડેટાની કોમ્પ્યુટરમાંથી ચોરી કરી અન્ય સાથે ભાગીદારી ઉભી કરી તેમાં આપી દેવાના આરોપસર પકડાયેલા મુખ્ય આરોપી એકાઉન્ટન્ટ સતીશ મગનભાઈ રાદડિયાની જામીન અરજી લોધિકા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.આ અંગેની હકીકત મુજબ, લોધીકા તાલુકાના ગામ રાવકી તરાવડા પંથકમાં આવેલ એશીયન એન્જિનિયરિંગ ભાગીદારી પેઢીના ભાગીદાર ભગવાનજીભાઈ વાલજીભાઈ પાનસુરીયાએ તેના એકાઉન્ટન્ટ સતીશ મગનભાઈ રાદડિયા સામે લોધીકા પોલીસ સ્ટેશન સમક્ષ કંપનીનો કોમ્પ્યુટર ડેટાની ચોરી કરી નવી કંપની ઊભી કરી છેતરપિંડી વિશ્વાસઘાતની નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, એકાઉન્ટન્ટ સતીશ રાદડિયાએ નોકરી સમય દરમ્યાન અન્ય બે કર્મચારી એકસંપ અને મીલાપીપણુ કરી એશિયન એન્જિનિયરિંગના કોમ્પ્યુટરમાં સ્ટોર કરેલ ગ્રાહકોના નામ સરનામા, ઓટોમેટીક પેપર પ્લેટ ઓટોમટિટ મશીનની શોધખોળ કરેલ સહિતનો ડેટા ગેરકાયદે રીતે કોમ્પ્યુટરમાંથી પેનડ્રાઈવ દ્વારા ચોરી કરીને વિપુલ પટેલ સાથે “વેપ્સા એન્જિનિયરિંગ સોલ્યુશન” નામની ભાગીદારી પેઢી બનાવી તેમાં વાપરી ગંભીર ગુન્હો કર્યાનું જણાવતા લોધીકા પોલીસ દ્વારા આરોપીઓ સતીશ મગનભાઈ રાદડિયા, ધર્મેશ મગનભાઈ રાદડિયા, મોન્ટુ શાહ, પ્રભુદાસ અને વિપુલ પટેલ સામે ગુનો નોંધી સૌપ્રથમ સતીશ રાદડિયાની ધરપકડ કરી હતી. બાદમાં સતીશ રાદડિયાને લોધીકાના પ્રિન્સિપાલ સિવિલ જજ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ સમક્ષ રજુ કરાતા આરોપી દ્વારા જામીન અરજી કરવામાં આવેલ, જે અરજી સામે ફરિયાદી પેઢીના ભાગીદાર વતી વકીલ રાજેશ કે. દલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે આરોપી વ્હાઈટ કોલર ક્રિમિનલ છે. ઓટોમેટીક પેપર પ્લેટ મશીનનો બાયોડેટા સહિતની ખાનગી માહિતી વિપુલ પટેલ ઉપરાંત કોને કોને આપી છે ? આ ગુનામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા છે. જે ધ્યાને લઈ આરોપીને જામીન મુકત ન કરવા હુકમ કરવા દલીલો કરી હતી. તમામ દલીલો ધ્યાને લઈને લોધીકા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ દ્વારા માન્ય રાખીને આરોપીની જામીન નામંજુર કરી છે. આ કામમાં ફરીયાદી વતી જી. એમ. જાની એસોસિએટસના સિનિયર એડવોકેટ રાજેશ કે. દલ, નીલેશ દવે, મહેશભાઈ જોષી તથા આદમશા શાહમદાર રોકાયા હતા.