નાની લાખાવડમાં અનૈતિક સંબંધની શંકાએ પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યા હતા
Jasdan,તા.14
જસદણના નાની લાખાવડમાં આવેલા હનુમાનપરામાં અનૈતિક સંબંધની શંકાએ પતિની હત્યા કરવાના ગુનામાં જેલ હવાલે રહેલી પત્નીની કોર્ટે જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે.આ કેસની હકીકત મુજબ જસદણના નાની લાખાવડમાં આવેલા હનુમાનપરામાં રહેતા ભાનુબેન વલ્લભભાઈ બાવળીયાએ તેના પતિ વલ્લભભાઈ બાવળીયાને કોઈ પર સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની શંકાએ તા.૦૧/૦૭/૨૦૨૪ ના રોજ રાત્રીના વાડીએ પોતાના ઘર આવી ધારીયુ અને હથોળી વડે માથામાં તથા આખા શરીરે માર મારી હત્યા કરી હતી. જે હત્યા કેસમાં આરોપી ભાનુબેન બાવળીયાની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી હતી. જેલ હવાલે રહેલા ભાનુબેન બાવળીયાએ જેલ મુક્ત થવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા સરકારી વકીલ સમીર ખીરાએ દલીલ કરતા જણાવેલ કે, આરોપીએ પોતાના જ પતિની ઠંડે કલેજે હત્યા કરી છે, જે હથીયારથી ખૂન કરવામાં આવેલ તે બનાવવાળી જગ્યાએથી જ મળી આવેલ છે, હાલ આરોપી વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જફ્રેમ થઈ ગયેલ છે ખૂન જેવો ગંભીર ગુન્હો હોય જામીન રદ કરવા દલીલો કરી હતી. બંને પક્ષની રજુઆત બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ ન્યાયાધીશ ડી.એસ. સિંગએ પતિની હત્યાના ગુનામાં સંડોવાયેલી પત્ની ભાનુબેન બાવળીયાની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ સમીર ખીરા રોકાયા હતા.