Jetpur,,તા.01
રૂકસા નામની મહિલા વાડીમાં દિનેશ પઘડાર સાથે રહેતી હોવાની એલસીબીની બાતમીના આધારે જેતપુર પોલીસની કાર્યવાહી પહેલગામમાં થયેલ આતંકી હુમલા બાદ દેશભરમાં ઘુષણખોરો વિરુદ્ધ તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે જેતપુરમાંથી ગેરકાયદે રહેતી બાંગ્લાદેશી મહિલાને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લામાં ગેરકાયદે રહેતા ઘુષણખોરોને શોધી કાઢવાની જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચનાને પગલે ડીવાયએસપી આર એ ડોડીયા અને પીઆજ એ ડી પરમારના માર્ગદર્શનમાં પોલીસની ટીમો કાર્યરત હતી. દરમિયાન રૂરલ એલસીબીના હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવાએ જાણ કરી હતી કે, જેતપુરના જીમખામાં મેદાન પાછળ ગુજરાતી વાડીમાં દિનેશ ખોડાભાઈ પઘડાર સાથે રૂકશાબેન નામની મહિલા કોઈપણ પ્રકારના વિઝા વિના ગેરકાયદેસર રહે છે તેવી બાતમી મળી છે. જે માહિતીના આધારે પોલીસે ખાનગી રાહે તપાસ કરાવતા રૂકસાબેન મહમંદ સદરુંદિન મહમદ ગુલામમીયા મંડલ(રહે. મોહલા હરીશંકરપુરી વિસ્તાર નંબર-10 હરી શંકરપુર વોર્ડ-2, થાણા જીનેદહ, બાંગ્લાદેશ) પાસે કોઈ પણ ભારતીય પુરાવા મળી આવ્યા ન હતા. ઉપરાંત મહિલા પાસેથી તેના પરિવારના સભ્યનું બાંગ્લાદેશી ચૂંટણી કાર્ડ મળી આવ્યું હોય પોલીસે મહિલાને નજરકેદ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.