New Delhi,તા.30
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જેણે કહ્યું હતું કે, કઠોર હરીફાઈ અને ઓછા સમયમાં સફળતાની ઈચ્છા કેટલીક બેંકો અને નોન બેંકીંગ ફાયનાન્સ કંપનીઓ (એનબીએફસીએસ)ને ખોટી પધ્ધતિઓ અપનાવવા માટે મજબૂર કરી રહી છે.
તમિલનાડુના કરૂરમાં શુક્રવારે એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, આવી બેંકો/લેન્ડર્સને લાગે છે કે ઉદેશ હાંસલ કરવા માટે કોઈપણ રીત સાચી છે. તેમણે ચેતવણી આપી હતી કે આવા તોર તરીકાથી બેંકીંગ સિસ્ટમથી લોકોનો ભરોસો ઉઠી શકે છે. આ ભાષણને આરબીઆઈએ મંગળવારે પોતાની વેબસાઈટ પર મૂકયું છે.
સ્વામીનાથને જણાવ્યું હતું કે, ગ્રોથ હાંસલ કરવો જરૂરી છે પણ તેના માટે સિસ્ટમ, લોકો અને પ્રોસેસ એવા હોવા જોઈએ જે નૈતિક પધ્ધતિઓ પર પૂરેપૂરા ટકેલા હોવા જોઈએ. તેમણે જણાવ્યું હતું કે બેંકોના બોર્ડ અને મેનેજમેન્ટની જવાબદારી છે કે તે કઠોર મહેનતથી કમાવવામાં આવેલો ભરોસો વધુ ઉંડો કરે.
આ સારી સર્વીસ ભરોસાલાયક સિસ્ટમ અને જવાબદાર લીડરશીપથી જ શકય છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું હતું કે વધતી હરીફાઈ અને ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓના આ સમયમાં આગળ વધવાનો રસ્તો કસ્ટમર સેન્ટ્રીક એપ્રોચ અપનાવવામાં છે.