New Delhi,તા.૨૯
ટીમ ઈન્ડિયા રવિવારે રમાયેલી એશિયા કપ ૨૦૨૫ની ફાઈનલ જીત્યા બાદ ટ્રોફી અને મેડલ સાથે ઉજવણી કરી શકી નહીં. વાત જાણે એમ હતી કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નક્વી એશિયા કપ ૨૦૨૫ની ટ્રોફી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના મેડલ લઈને ભાગી ગયા. આ ઘટના બાદ ભારે બબાલ જોવા મળી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભાગેડુ મોહસિન નક્વીને ’લાસ્ટ વોર્નિંગ’ આપતા કહ્યું કે ભારતની ટ્રોફી અને મેડલ જલદી પરત કરો.
અત્રે જણાવવાનું કે ટીમ ઈન્ડિયાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નક્વીના હાથે એશિયા કપ ૨૦૨૫ની ટ્રોફી લેવાની ના પાડી હતી. મોહસિન નક્વી પાકિસ્તાનના આંતરિક મામલાઓના મંત્રી પણ છે. જેમણે ભારત વિરુદ્ધ અનેક ભડકાઉ નિવેદનો આપ્યા છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ એમિરાટ્સ ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ ખાલિદ અલ જરોનીના હાથે ટ્રોફી લેવા તૈયાર હતા પરંતુ મોહસિન નકવીએ એવું થવા દીધુ નહીં. ભારતે જીતેલી ટ્રોફી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના મેડલ લઈને મોહસિન નક્વી પોતાના હોટલ રૂમ ભાગી ગયા.
બીસીસીઆઇના સચિવ દેવજીત સૌકિયાએ મોહસિન નક્વીને લાસ્ટ વોર્નિંગ આપતા ભારતે જીતેલી એશિયા કપ ૨૦૨૫ની ટ્રોફી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના મેડલ પરત કરવાનું કહ્યું છે. દેવજીત સૈકિયાએ આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ પરિષદના અધ્યક્ષ મોહસિન નક્વી ટીમ ઈન્ડિયાએ તેમના હાથે ટ્રોફી અને મોડલ લેવાની ના પાડી દીધી તો એશિયા કપ ટ્રોફી અને ચેમ્પિયન ટીમના મેડલ લઈને જતા રહ્યા. દેવજીત સૈકિયાએ કહ્યું કે બીસીસીઆઇ આગામી મહિને થનારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની બેઠકમાં મોહસિન નક્વી વિરુદ્ધ વિરોધ નોંધાવશે.
દેવજીત સૈકિયાએ કહ્યું કે, અમે એસીસી ચેરમેનના હાથે એશિયા કપ ૨૦૨૫ની ટ્રોફી નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો હતો. જે પાકિસ્તાનના આંતરિક મામલાઓના મંત્રી છે. આ એક સમજી વિચારીને લેવાયેલો નિર્ણય હતો. મોહસિન નક્વીને ટ્રોફી અને મેડલ પોતાની સાથે લઈ જવાનો અધિકાર મળતો નથી. આ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ અને ખેલ ભાવના વિરુદ્ધ છે. અમને આશા છે કે ટ્રોફી અને મેડલ જલદી ભારતને પાછા અપાશે. અમે નવેમ્બરમાં આઈસીસી સંમેલનમાં તેનો વિરોધ કરીશું. અત્રે જણાવવાનું કે ટીમ ઈન્ડિયાએ રવિવારે રમાયેલી એશિયા કપ ૨૦૨૫ની રોમાંચક ફાઈનલ મેચમાં પાકિસ્તાનને ૫ વિકેટથી હરાવી દીધુ હતું. ભારતે પાકિસ્તાનને ફાઈનલમાં પછાડીને ૯મી વખત એશિયા કપની ટ્રોફી જીતી છે.
દેવજીત સૈકિયાએ વધુમાં કહ્યું કે, અમારી સેનાઓએ બોર્ડર પર દમ દેખાડ્યો, હવે દુબઈમાં ક્રિકેટના મેદાન ઉપર પણ ટીમ ઈન્ડિયાએ એ જ દોહરાવ્યું છે. આથી આ એક શ્રેષ્ઠ પળ છે. ભારતીય ક્રિકેટ માટે આ એક મહત્વપૂર્ણ અવસર છે. પહેલા ઓપરેશન સિંદૂર હતું અને હવે ઓપરેશન કિલા છે. આથી આ કેટલાક દુશ્મન દેશો દ્વારા કરાયેલી તમામ વાહિયાત હરકતોનો જડબાતોડ જવાબ છે. આથી મને નથી લાગતું કે દુબઈમાં એશિયા કપ ૨૦૨૫ની ફાઈનલ મેચમાં આનાથી સારો કોઈ જવાબ હોઈ શકે.