RAJKOT તા. ૨૫
દેશનાં નાના તથા મધ્યમ કદના ઉદ્યોગોને સંગઠીત કરી તેમના વિકાસ માટે સતત પ્રયત્નશીલ સંસ્થા એટલે લઘુ ઉદ્યોગ ભારતી. આ સંસ્થા આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડીયા અને વોકલ ફોર લોકલના અભિયાનને વેગ આપવા સાથે દેશભરમાં લઘુ ઉદ્યોગોના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને બ્રાન્ડીંગ અને ઘંઘાના પ્રમોશન માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડવાના ધ્યેય સાથે વિવિધ સ્થળે બિઝનેશ એક્સપો, સેમીનાર વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગ રૂપે સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં રાજકોટ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ફેર ‘ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં આ નવમો અને સૌરાષ્ટ્રનો બીજો ફેર છે. જેમાં દેશભરના લઘુ ઉદ્યોગો ભાગ લઈ પોતાના ધંધાના વિકાસ સાથે દેશના વિકાસમાં સહભાગી બનશે એમ લઘુ ઉદ્યોગ ભારતીના મેન્ટર શ્રી હંસરાજભાઈ ગજેરા અને એકસ્પોના ચેરમેન શ્રી ગણેશભાઈ ઠુંમરની એક યાદીમાં જણાવાયું છે.
લઘુ ઉદ્યોગ ભારતી-સૌરાષ્ટ્ર સંભાગના મેન્ટર શ્રી હંસરાજભાઈ ગજેરાએ સંસ્થા વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે, સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગોના સહયોગ અને વિકાસ માટે ૧૯૯૪માં સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. દેશમાં આ ક્ષેત્રે કાર્ય કરતુ આ એકમાત્ર રાષ્ટ્રીય સંગઠન છે. દેશના દરેક રાજયમાં સંસ્થા કાર્યરત છે. ૭૦૦થી વધારે ઔદ્યોગીક ક્ષેત્રમાં કાર્યરત અમારી સંસ્થા દ્વારા નાના ઉદ્યોગો સાથે સંકળાયેલાં સમુદાયનું હિત સચવાય અને ઉદ્યોગો દ્વારા રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની શકાય એ માટે વિવિધ કાર્યો કરવામાં આવે છે. અન્ય સંગઠનો સાથે મળી ઉદ્યોગોને લગતાં કોમન પ્રશ્નો બાબતે સંગઠીત બની તેના ઉકેલ માટે સંસ્થા કાર્ય કરે છે.
લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાનું માળખું રાષ્ટ્રીય, રાજ્ય સ્તર, પ્રદેશ સ્તર, સંભાગ, વિભાગ, જિલ્લા સ્તરે ઔદ્યોગીક વિસ્તાર પ્રમાણે એક વ્યવસ્થિત ગોઠવાયેલ છે. દેશના મોટા ભાગના રાજયોમાં સંસ્થા કાર્યરત છે. ગુજરાતમાં કર્ણાવતી સંભાગ અને સૌરાષ્ટ્ર સંભાગ એમ બે ભાગમાં કાર્યરત છે. સૌરાષ્ટ્ર સંભાગમાં રાજકોટ વિભાગ, જુનાગઢ વિભાગ અને કચ્છ વિભાગ એમ ત્રણ વિભાગ હેઠળ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને ઔદ્યોગીક વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. ઉદ્યોગો માટે જરૂરી એવા પ્રોડકટ માર્કેટીંગ, બ્રાન્ડીંગ વગેરે માટે નિયમીત ઔદ્યોગીક પ્રદર્શન, ઉદ્યોગ વિષયક સેમીનાર, સરકારી ગાઈડ લાઈન વિશે યોગ્ય માર્ગદર્શન મળે એવા સેમીનાર, બીટુબી, બીટુજી મિટીંગ વગેરેનું આયોજન કરવામાં આવે છે. દર અઠવાડીએ કર્ણાવતી ખાતે મીટીંગનું આયોજન કરી ઉદ્યોગોને લગતાં પ્રશ્નોની ચર્ચા કરી તેના ઉકેલ માટે પ્રયાસ કરવામાં આવે છે. સંસ્થાના સભ્યોને તેમના ઉદ્યોગને લગતી કોઈપણ સમસ્યા હોય ત્યારે સરકાર સાથે સંકલન કરી તેનો યોગ્ય ઉકેલ લાવવાના કાર્ય થાય છે. જી.એસ.ટી. સહિત વિવિધ ટેકસેશન, બજેટ, સરકારી નીતિઓ વગેરે બાબતો અંગે સેમીનાર યોજી ઉદ્યોગપતિઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જે તે ઉદ્યોગને લગતી વિવિધ સરકારી સહાય યોજના, સબસીડી યોજના વગેરે બાબતે યોગ્ય સહકાર પુરો પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા દર ત્રણ મહિને ‘ઉદ્યોગ ટાઈમ્સ’ મેગેઝીન પ્રસિધ્ધ કરવામાં આવે છે જેમાં ઉદ્યોગોને લગતી વિવિધ બાબતોની માહિતી પ્રકાશીત કરવામાં આવે છે.
લઘુ ઉદ્યોગ ભારતી -ગુજરાતને ભારત સરકાર દ્વારા એક્ષપોર્ટ કરતા ઉદ્યોગોને આવશ્યક એવુ સર્ટીફકેટ ઓફ ઓરીજીન ઈસ્યુ કરવાની પરવાનગી આપવામાં આવી છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ઉદ્યોગોને લગતી અમુક બાબતોની રજુઆત કરેલ જેનો સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો છે જેમાં જામનગરની દરેડ જી.આઈ.ડી.સી. ભાગ-૩નો પ્રશ્ન, ઔદ્યોગીક એકમોના ખાતામાં ડાયરેક્ટ સબસીડી જમા કરાવવાની બાબત, કો-લેટરલ સિક્યુરીટી વગર સરકારે નક્કી કરેલ મર્યાદામાં ધિરાણ આપવુ, ક્રેડીટ ગેરંટી યોજના, ગુજરાતમાં વિજળીના ભાવ વધારા સામે રીટ પીટીશન સહિત કેન્દ્ર સુધી લડતો આપી અનેક વખત ભાવ વધારો રોકવામાં સફળતા, માંદા ઉદ્યોગો માટે ગુજરાત સરકાર દ્વારા વન ટાઈમ સેટલમેન્ટની યોજનાનો અમલ, ફાર્મા ઉદ્યોગમાં શિડયુલ એમ ના અમલીકરણમાં રાહત, એમ.એસ.એમ.ઈ. માટે અલગ મંત્રાલય બન્યુ અને ગુજરાતમાં એમ.એસ.એમ.ઈ. વિભાગ શરૂ કરવામાં આવ્યો, ગુજરાતમાં જી.આઈ.ડી.સી.માં ખાલી પડેલાં પ્લોટમાં નાના શેડ તૈયાર કરી પાવર અને પાણીની સગવડ સહિતના બાંધકામ કરી નાના ઉદ્યોગકારોને આપવાની યોજનાનો અમલ, જરી ઉદ્યોગને જી.એસ.ટી.ના ૧૨ ટકાના સ્લેબમાંથી પાંચ ટકાના સ્લેબમાં સમાવેશ સહિત અનેક પરીણામ લક્ષી કાર્યો થયા છે.
ભારત સરકારની વિવિધ કમીટી – બોર્ડમાં લઘુ ઉદ્યોગ ભારતીને સ્થાન મળ્યું છે
લઘુ ઉદ્યોગ ભારતીના સદસ્યો ભારત સરકાર દ્વારા બનાવાયેલ વિવિધ કમીટી, બોર્ડ અને એજન્સીઓમાં નાના-મધ્યમ કદના ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં પાર્લામેન્ટની એમ.એસ.એમ.ઈ. સ્ટેન્ડીંગ કમીટી, આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઈઝેશન કમીટી, માઈક્રો, સ્મોલ, મિડિયમ એન્ટરપ્રાઈઝીઝ બોર્ડ, સ્ટેન્ડીંગ લેબર કમીટી, કેન્દ્રીય શ્રમિક શિક્ષા બોર્ડ, એમ.એસ.એમ.ઈ.ની રાષ્ટ્રીય એવોર્ડ સિલેક્શન કમીટી, બાળ શ્રમ પરીયોજના, પ્રધાનમંત્રી દ્વારા બનાવાયેલ એમ.એસ.એમ.ઈ. ટાસ્કફોર્સ કમીટી, પ્રધાનમંત્રી તથા નાણામંત્રીની બજેટ પૂર્વેની કમીટી, ઉદ્યોગ મંત્રાલય દ્વારા ચાલતી ટેકનીકલ સલાહકાર કમીટી, વાણિજ્ય મંત્રાલયની ખાસ કમીટી, રિઝર્વ બેંકની ક્રેડીટ ફલોની સમીક્ષા કમીટી, સીડબીની ક્રેડીટ ગેરંટી સ્કીમની કમીટી, બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ કમીટી, રાષ્ટ્રીય સેફટી કમીટી, લોકાચારની ત્રિપક્ષીય કમીટી, નેશનલ સોશ્યલ સિક્યોરીટી બોર્ડ, કેન્દ્ર સરકારની શ્રમ અને રોજગાર મંત્રાલયની સલાહકાર સમિતિ, ઈ.એસ.આઈ.ની સલાહકાર સમીતી, રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ, ડી.જી.એસ. એન્ડ ડી.ની સ્ટેન્ડીંગ રીવ્યુ કમીટી, વસ્ત્ર મંત્રાલયની શણ અને કપાસ ઈન્ડસ્ટ્રીઝની ત્રિપક્ષીય કમીટી, પ્રોવિડન્ડ ફંડની સલાહકાર સમીતી, સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ સહિત રાજય અને કેન્દ્ર ની અનેક કમીટીમાં લઘુ ઉદ્યોગ ભારતીને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે. સંસ્થાની રજીસ્ટર્ડ ઓફીસ નાગપુર ખાતે, કોર્પોરેટ ઓફીસ નવી દિલ્હી ખાતે કાર્યરત છે. ગુજરાતમાં કર્ણાવતી સંભાગની ઓફીસ અમદાવાદ ખાતે અને સૌરાષ્ટ્ર સંભાગની ઓફીસ રાજકોટ ખાતે કાર્યરત છે.
લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી-૨૦૨૫માં રાજકોટ ખાતે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યુ છે. મેન્ટર શ્રી હંસરાજભાઈ ગજેરા, ચેરમેન તરીકે શ્રી ગણેશભાઈ હુમ્મર, ખજાનચી તરીકે શ્રી જયભાઈ માવાણી, લઘુ ઉદ્યોગ ભારતી-રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી યશભાઈ રાઠોડ, મંત્રી શ્રી જયસુખભાઈ સોરઠીયાની આગેવાનીમાં દિપકભાઈ પટેલ, કેતનભાઈ વસા, અમૃતભાઈ ગઢીયા, અમરીશભાઈ ત્રાંબડીયા, મલયભાઈ રૂપાપરા, ચન્દ્રેશભાઈ સંખારવા, હેમંતભાઈ કાપડીયા, દેવેન્દ્રભાઈ શર્મા, દર્શકભાઈ ઘેટીયા, મહેશભાઈ સાવલીયા, મયુરભાઈ વેકરીયા, જલ્પેશભાઈ ગોસ્વામી સહિતની ટીમ ફેરના આયોજન માટે કાર્યરત છે.