Bhavnagar તા.૨૦
ભાવનગર શહેરના રોયલ કોમ્પલેક્ષના બેઝમેન્ટના કચરાના ઢગલા માંથી રૂપિયા ૫૦૦ના દર ની ૯૫ નકલી નોટ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. હજુ બે દિવસ પહેલા જ મહારાષ્ટ્ર માંથી રૂપિયા ૫૦૦ના દરની નકલી નોટ ના મોટા જથ્થા સાથે ભાવનગરનો યુવાન ઝડપાયો હતો. આ બંને વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર રોડ પર આવેલ રોયલ કોમ્પલેક્ષના બેઝમેન્ટના કચરાના ઢગલા માંથી રૂપિયા ૫૦૦ના દરની ૯૫ ઝેરોક્ષ અથવા પ્રિન્ટ કરેલ નોટ મળી આવતા જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલ ,એસ.ઓ.જી. પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે નકલી નોટ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે આ બનાવે શહેર માં ચકચાર જગાવી છે.
શહેરના નવાપરા વિસ્તારના રોયલ કોમ્પ્લેક્ષને પ્રિન્ટિંગના હબ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિવિધ છાપકામ કરવામાં આવે છે. આ વિસ્તારની આસપાસ ભારતીય બનાવટની નકલી ચલણી નોટોનો જથ્થો કચરા સાથે રસ્તા પર રઝળતો જોવા મળ્યો હતો. આ મામલે હાલ ભાવનગર એસઓજીની ટીમ એ તપાસ શરૂ કરી છે કે, રસ્તા પર રઝળતી આ નોટ ક્યાંથી આવી હુબહુ અસલ દેખાતી એવી નકલી ચલણી નોટનું છાપકામ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું?
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં નકલી નોટો સાથે ભાવનગરનો યુવક ઝડપાયો હતો. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના એક દિવસ પહેલાં એટલે કે સોમવારે મહારાષ્ટ્રના સેન્ટ્રલ ક્રાઈમ યુનિટ દ્વારા મૂળ ભાવનગરના ૧૯ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
૧૯ વર્ષનો મૂળ ભાવનગરના રહેવાસી આર્યન જાબુચા પાસેથી ૫૦૦ રૂપિયાની ૧૦,૩૫૨ નકલી ચલણી નોટ મળી આલી હતી. આર્યન પકડાયો તેના બીજા જ દિવસે ભાવનગરમાં રસ્તે ૫૦૦ રૂપિયાની નકલી નોટો રઝળતા પ્રશ્ન થઈ રહ્યો છે કે, શું ભાવનગર અને મહારાષ્ટ્ર વચ્ચે આ નકલી નોટો વચ્ચે કંઈ કનેક્શન હશે? શહેરમાં આ બનાવે ચકચાર મચાવી છે.