Aravalli,તા.૫
અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રોજ ઘણા દીકરા-દીકરીઓ શાળાએ જવા માટે એસટી બસમાં મુસાફરી કરતાં હોય છે. ત્યારે ભિલોડાનો જે કિસ્સો સામે આવ્યો છે તેમાં એસટીમાં મુસાફરી કરતી સગીરાઓની સલામતી અને સુરક્ષાને લઈને સવાલ ઊભા થયા છે.
રાજ્યમાં જાહેર પરિવહનમાં મુસાફરી કરતી સગીરાઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલ ઉભા થયા છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં એસટી બસના ડ્રાઈવર દ્વારા શાળાએ જતી સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર આરોપી ડ્રાઈવરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેને લગ્નની લાલચ આપી હતી. આ લાલચના આધારે તેણે અવારનવાર સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપીએ વારંવાર સગીરાના ભોળપણનો લાભ ઉઠાવ્યો હતો અને ઘણા સમયથી તે સગીરા સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો. આખરે સગીરાએ પોતાની સાથે થયેલા અત્યાચાર અંગે માતા-પિતાને જાણ કરી હતી. સગીરાએ જાણ કરતાં જ તેના માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો. જેના આધારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો.
માતા-પિતાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી એસટી બસના ડ્રાઈવર વિજય ગામેતીને ઝડપી લીધો છે. પોલીસ દ્વારા આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલે અરવલ્લીના ડીસીપી જે. ડી, વાઘેલાએ જણાવ્યું હતું કે, “૩ ફેબ્રુઆરીના રોજ ભિલોડા ખાતે ફરિયાદીની સગીર વયની દીકરીને ફોસલાવીને વિજય ગામેતી નામના એસટી બસ ડ્રાયવર લઈ ગયા હતા તેમની વિરુદ્ધમાં પોકસો એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરેલ છે. આ સગીર પર વારંવાર દુષ્કર્મ કરેલ હોય ફરિયાદના આધારે તેમની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.”
આ ઘટનાએ જાહેર પરિવહન વ્યવસ્થામાં કામ કરતા કર્મચારીઓની જવાબદારી અને સગીરાઓની સુરક્ષા અંગે ફરીથી વિચાર કરવાની જરૂરિયાત ઊભી કરી છે. પોલીસ દ્વારા મામલે તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

