Gandhinagar, તા.3
ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહમાં વરસેલા કમોસમી વરસાદ-માવઠાથી કૃષિક્ષેત્રને જંગી નુકશાન અને સહાયની માંગ વચ્ચે ઉગ્ર આક્રોશ સર્જાતા રાજય સરકારે ડેમેજ કંટ્રોલ શરૂ કરી જ દીધુ છે.
ખેડુતોનો રોષ ખાળવા તથા તમામ મદદની બાંહેધરી આપવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખુદ કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. આજે બપોર બાદ તેઓ જુનાગઢ તથા ગીર સોમનાથના અમુક વિસ્તારોની મુલાકાતે પહોંચવાના છે.
માવઠાના મારથી ખેડુતો માથે આભ ફાટી પડયાની હાલત સર્જાઈ છે. મગફળી-કપાસ સહિત લગભગ તમામ કૃષિપેદાશોને મોટુ નુકશાન થયુ છે. રાજય સરકારે સાત દિવસમાં સર્વે કરીને સહાય-વળતર જાહેર કરવાની જાહેરાત કરી હતી. પરંતુ સતાવાર પરિપત્રમાં 20 દિવસનો ઉલ્લેખ થતા જબરો વિકાસ ઉભો થયો હતો.
જો કે, સરકારે ડેમેજ કંટ્રોલ કવાયત કરી હોય તેમ શનિવારે મુખ્યમંત્રીએ બેઠક યોજીને ત્રણ જ દિવસમાં સર્વે પૂર્ણ કરવાની સૂચના આપી હતી. ત્યારબાદ ગઈકાલે ટવીટ કરીને ખેડુતોને તુર્તમાં રાહત-વળતર પેકેજ જાહેર થઈ જવાનું કહ્યું હતું.
કૃષિ નુકશાનીમાં રાહત-સહાય માટે ખેડુતો મીટ માંડીને બેઠા છે તેવા સમયે હવે મુખ્યમંત્રીએ કેટલાંક અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લેવાનુ નકકી કર્યુ છે. કુદરતી આફતમાં સરકાર પડખે જ હોવાની પ્રતિબદ્ધતા દર્શાવવા તેઓ આજે સાંજે ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ તથા જુનાગઢના માળીયા તાલુકાના પાણીદ્રા ગામના અસરગ્રસ્તોને રૂબરૂ મળશે અને કૃષિ નુકશાનીની સમીક્ષા કરશે. આ તકે કેબીનેટમંત્રી અર્જુન મોઢવાડીયા, કૌશીક વેકરીયા, ડો.પ્રદ્યુમ્ન વાજા વગેરે પણ સાથે રહેશે.
મુખ્યમંત્રીએ તુર્તમાંજ ખેડુતો માટે રાહત-સહાય પેકેજ જાહેર કરવાની ઘોષણા કરી જ છે. ત્યારે બુધવારે કેબીનેટ બેઠકમાં રાહત પેકેજને આવરી ઓપ આપીને તેની જાહેરાત કરવામાં આવે તેમ મનાય છે.

