America,તા.11
વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટો ફેરફાર થયો છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ બાદ હવે વોરન બફે પણ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાંથી બહાર થયા છે. શેરબજારમાં ભારે અફરાતફરી વચ્ચે વોરન બફેની નેટવર્થમાં મોટો ઘટાડો નોંધાતા તેઓ 11માં ક્રમે પહોંચ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર, વોરન બફેની નેટવર્થ 1.96 અબજ ડોલર ઘટતાં બફે 11માં ક્રમે પહોંચ્યા છે. જ્યારે બિલ ગેટ્સ 123 અબજ ડોલરની નેટવર્થ સાથે 15માં ક્રમે છે.
બર્કશાયર હેથવેના 94 વર્ષીય ચેરમેન વોરન બફે લાંબા સમયથી ટોપ-10 ધનિકોની યાદીમાં સામેલ હતાં. પરંતુ છેલ્લા 24 કલાકમાં શેરબજારમાં ભારે ઉથલપાથલના કારણે તેમની નેટવર્થમાં મોટો ઘટાડો થયો હતો. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં તેઓ 140 અબજ ડોલરની નેટવર્થ સાથે ટોચના 11માં ધનિક છે. છેલ્લા એક મહિનાથી તેમની કંપનીના શેર સતત તૂટી રહ્યા છે. ઉલ્લેખનીય છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વધી છે. જેની અસર શેરબજાર પર જોવા મળી છે.
બીજી તરફ ટેક. કંપની ડેલ ટેક.ના સીઈઓએ વિશ્વના ટોપ-10 ધનિકોની યાદીમાં એન્ટ્રી લીધી છે. ડેલ ટેક.ના સીઈઓ માઈકલ ડેલ હવે વિશ્વના ટોચના 10માં ક્રમના ધનિક બન્યા છે. તેમની નેટવર્થમાં 1.41 અબજ ડોલરનો ઉછાળો નોંધાતાં નેટવર્થ 141 અબજ ડોલર થઈ હતી. આ વર્ષે 2025માં સૌથી વધુ કમાણી કરનારા ધનિકોમાં તેઓ સામેલ થયા છે. ડેલની સંપત્તિ ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં 17 અબજ ડોલરથી વધી છે.
ધનિકોની યાદીમાંથી માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સની સંપત્તિ છેલ્લા કેટલાક સમયથી ઘટી રહી છે. જેના લીધે તેઓ બિલિયોનર્સ ઈન્ડેક્સમાં સતત પાછળ ખસી રહ્યા છે. હાલ તેઓ 123 અબજ ડોલરની નેટવર્થ સાથે ટોચના 15માં ધનિક છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં તેમની નેટવર્થ 35.7 અબજ ડોલર ઘટી છે.