Mumbai, તા.2
અમેરિકાના જોબડેટા ધારણા કરતાં નબળા આવતાં અને મેન્યુફેક્ચરીંગ ગ્રોથ પણ ઘટીને પાંચ મહિનાના તળિયે પહોંચતાં ડોલર ઇન્ડેક્સ સડસડાટ ગગડયો હતો અને સોના-ચાંદીમાં ઝડપી તેજી જોવા મળી હતી.
વર્લ્ડ માર્કેટમાં સોનું શુક્રવારે 3280.30 ડોલર થી વધીને 3356 ડોલરે પહોંચ્યું હતું જ્યારે ચાંદી 36.29 ડોલર થી વધીને 37.26 ડોલરે પહોંચી હતી.સ્થાનિક માર્કેટમાં સોનું પ્રતિ 10 ગ્રામ રાજકોટમાં રૂા.950 ઘટયું હતું. જ્યારે ચાંદી કિલો રાજકોટમાં રૂા.1650 ઘટી હતી.
આગામી સપ્તાહે કોઈ મોટો ડેટા ન હોઈ સોના-ચાંદીમાં મક્કમ ગતિએ વધારો થવાની શક્યતા વધશે વળી રશિયન પ્રેસિડન્ટ પુતિને ટ્રમ્પની ધમકીની ઐસીતૈસી કરીને યુક્રેન સાથે યુદ્ધ ચાલુ રહેશે, થાય તે કરી લ્યો તેવું નિવેદન આપતાં જિઓપોલિટિકલ ટેન્શન વધ્યું છે.
ઉપરાંત બ્રિટને ઇઝરાયલ પર દબાણ વધાર્યું તો તેની સામે ટ્રમ્પે વળતો પ્રહાર કરીને ઇઝરાયલને ટેકો આપ્યો હતો જેને કારણે ઈઝરાયલ-હમાસ યુદ્ધ પણ સમાપ્ત થવાની આશા પર ઠંડુ પાણી રેડાઈ ગયું હતું.
ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ વધારો કર્યો હોઇ ટ્રેડ ટેન્શન વધ્યું છે. આમ, સોના-ચાંદીમાં તેજી થવાના કારણો એક સાથે ઉભર્યા છે જે આગામી સપ્તાહે સોના-ચાંદીને ઊંચે લઇ જશે.
આજે સોનામાં ફરી રૂ 1800 અને ચાંદીમાં રૂ 2050 નો ધરખમ વધારો થયો છે. આ સાથે સોનું રૂ.102700 અને ચાંદી રૂ 114400 એ પહોંચ્યું છે.