Jamnagarતા.7
જામનગર શહેર ભાજપના પ્રમુખ પદે ભાજપે મોટો અપસેટ સર્જયો હોય તેમ મહિલા પૂર્વ મેયર બિનાબેન કોઠારીની તાજપોશી કરી છે. એક ડઝન જેટલા દાવેદારોના લાંબા સમયના લોબીંગ ઉપર પાર્ટીએ ટાઢુ પાણી રેડી દીધું છે. બિનાબેનના સ્વરૂપમાં જામનગર ભાજપને સૌ પ્રથમ વખત મહિલા પ્રમુખની ભેટ મળી છે.
બિનાબેન કોઠારી માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ફરી સ્થાનિક કક્ષાના સુપર પાવરપદે આરૂઢ થયા છે. નવાઇની વાત એ છે કે, ગુજરાતના એક માત્ર શહેરમાં મહિલા પ્રમુખ બેસાડવા માટે ભાજપે જામનગર ઉપર પસંદગી ઉતારી હતી. ગઇકાલે પ્રદેશ પ્રતિનિધિની ઉપસ્થિતિમાં જાહેરાત થયા બાદ તુરંત જ ડો.વિમલ કગથરાએ બિનાબેનને પ્રમુખપદનો ચાર્જ બેઠક દરમિયાન જ સુપ્રત કર્યો હતો.
જામનગર શહેર ભાજપ સંગઠ્ઠનની મુદ્દત પ્રદેશ સંગઠ્ઠનની સાથે જ એક વર્ષ પહેલાં પુરી થઇ ગઇ હતી. પરંતુ લોકસભાની ચૂંટણી અને એ પછી આંતરિક જૂથવાદ સહિતના કારણોસર સંગઠ્ઠનની પુન:રચનાનું કોકડું ગુંચવાયેલું રહ્યું હતું. આખરે કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ સી.આર.પાટીલે પાર્ટીના મોટા નેતાઓ સાથે પરામર્શ કરીને પ્રદેશ સંગઠ્ઠનની પુન: રચનાની કાર્યવાહી શરૂ કરી હતી.
સંગઠ્ઠન પર્વની ઉજવણી પુરી થઇ હતી અને મહાનગર કક્ષાએ વોર્ડ પ્રમુખની પણ વરણી કરી દેવાઇ હતી. જો કે જામનગરના 16 વોર્ડમાંથી વોર્ડ નં.2 અને 15 માં પ્રમુખની જગ્યા સ્થાનિક નેતાઓના મતભેદને કારણે હજુ પેન્ડીંગ છે.
આ પછી ભાજપ દ્વારા આશરે બે માસ પહેલાં નવા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. પ્રદેશ નિરિક્ષકોએ જે તે મહાનગર કે મંડળમાં જઇ સેન્સ લીધી હતી. ખાસ કરીને જામનગર મહાનગર (શહેર)ના પ્રમુખ માટે સેન્સ લેવાઇ ત્યારે એક ડઝન જેટલા આગેવાનોએ દાવેદારી કરી હતી. આમાં સૌથી વધુ મજબુત દાવેદાર હાલના પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા મનાતા હતાં.
સેન્સ પ્રક્રિયા પુરી થયા બાદ કેટલાંક દાવેદારોએ ભારે લોબીંગ કર્યું હતું પરંતુ અન્ય મહાનગરની માફક જામનગર મહાનગરના પ્રમુખની પસંદગીમાં પણ સંઘના બેકગ્રાઉન્ડની છાપ પડી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જામનગર મહાનગર એટલે કે શહેર ભાજપના પ્રમુખ તરીકે ગઇકાલે બપોરે 100 થી વધુ અપેક્ષિત આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રદેશ નિરિક્ષકો દ્વારા પ્રમુખ તરીકે
જામનગરના પૂર્વ મેયર શ્રીમતિ બિનાબેન કોઠારીની નિયુક્તિની જાહેરાત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર સહિત રાજ્યના તમામ મહાનગર અને જિલ્લા ભાજપના પ્રમુખની પસંદગીની યાદી આ નિમણૂંકના એક દોઢ કલાક પહેલાં સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગઇ હતી. પરિણામે ભાજપ વર્તુળમાં ભારે ચકચાર જાગી હતી.
પ્રદેશ તરફથી આવેલ ક્લસ્ટર પ્રમુખ બાબુભાઇ જેબલિયા, સંગઠ્ઠન મંત્રી પલ્લવીબેન ઠાકર, રાજુભાઇ ધારેયા, ચૂંટણી ઇન્ચાર્જ જાનકીબેન આચાર્ય, મેયર વિનોદભાઇ ખિમસુર્યા, શહેર પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા, વિજયસિંહ જેઠવા અને મેરામણભાઇ ભાટુ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બિનાબેન કોઠારીની જાહેરાત કરાઇ હતી. જાહેરાત બાદ આ બેઠકમાં જ અભિનંદન આપવાની સાથે બિનાબેન કોઠારીને પ્રમુખપદનો કાર્યભાર વિમલભાઇ કગથરાએ સુપ્રત કર્યો હતો.
અત્રે એ પણ નોંધનિય છે કે, પ્રમુખપદ માટે એક ડઝન જેટલા દાવેદાર હતાં પરંતુ બિનાબેન કોઠારીએ દાવો જ કર્યો ન હતો. આમ છતાં ભાજપ કોથળામાંથી બિલાડું કાઢી સરપ્રાઇઝ આપવાની પરંપરાની છાપ આ નિમણૂંકમાં પણ ઉપસી હતી. તમામ દાવેદારોને બાજુમાં કરી નેતાગીરીએ બિનાબેન ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
અત્રે એ યાદ અપાવીએ કે બિનાબેન બે ટર્મથી વોર્ડ નં.5 ના ભાજપના કોર્પોરેટર તરીકે સેવા આપી રહ્યાં છે. તેઓને સંગઠ્ઠનમાં પણ કામ કરવાનો અનુભવ છે. શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી તરીકે તથા શહેર સંગઠ્ઠનના ઉપપ્રમુખ તરીકે પણ તેઓ કાર્યરત રહી ચુક્યાં છે. તેઓ ફેબ્રુઆરી 2021 માં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં.5 માંથી ભાજપના ઉમેદવાર તરીકે બીજી વખત ચૂંટાયા હતાં અને પ્રથમ અઢી વર્ષ માટેની ટર્મ માટે મેયર બન્યા હતાં.
ત્યારે પણ તેમના સંઘ સાથેના જોડાણનું ચિત્ર ઉપસ્યું હતું જેનું ગઇકાલે પુનરાવર્તન થયું હોય તેવી ચર્ચા ઉઠી છે. આ ઉપરાંત સાંસદ સહિતના અમુક નેતાઓએ પ્રદેશ નેતાગીરીએ માંગેલા અભિપ્રાયમાં બિનાબેનને પૂર્ણ માર્ક આપ્યા હતાં.