Jasdan તા.5
જસદણમાં કરોડોનાં વિકાસ કામોની ગુલબાંગો સાથે વિવિધ રોડ-રસ્તાએ ટનાટન બન્યા હોવાના દાવાઓ થઈ રહ્યા છે ત્યારે થોડા સમય પહેલા જ ચિતલીયા રોડ પર કરોડોના ખર્ચે બનેલ રોડની ભુગર્ભ જોડાણમાં મસમોટુ ગાબડુ પડતા અપક્ષ સદસ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ ગાબડામાં ભાજપનો ઝંડો લહેરાવી જનતાને અકસ્માતથી બચવા સાવચેત કર્યા હતા. ગાબડામાં ભાજપના ઝંડાથી બુરાણ થતાં સોશ્યલ મીડીયામાં ભારે ટીપ્પણી ચર્ચા કોમેન્ટ જાગી હતી.
એક તરફ જસદણમાં કરોડોના વિકાસ કામોનાં જોરશોરથી ગુણગાન ગવાઈ રહ્યા છે. બીજી તરફ શહેરની શું સ્થિતિ છે? તેનો સાચો ચિતાર ચિતલીયા રોડ વિસ્તારના જાગૃત અપક્ષ સદસ્ય સુરેશભાઈ છાયાણીએ દર્શાવ્યો છે.
અપક્ષ સદસ્ય સુરેશભાઈ છાયાણીએ માર્ગમાં પસાર થતી ભુગર્ભ ગટરમાં મસમોટો અકસ્માત નોતરે તેવો ખાડો પડતા આ સ્થળે ભાજપનો ઝંડો લહેરાવી બુરાણ કરી વિરોધ સાથે લોકોને આ સ્થળે પસાર થવામાં સાવચેત રહેવા તાકીદ કરતા લોકોમાં કુતુહુલ જોવા મળ્યુ હતું.