Junagadh,, તા.18
વિસાવદર ભાજપ શાસીત નગરપાલિકાના પ્રમુખે ધારાસભ્ય પાસે કરોડો રૂપીયાની ગ્રાન્ટના કામ માંગ્યા છે. થોડા દિવસ પહેલા ધારાસભ્યએ રસ્તાના મુદ્દે પાલિકાનો ઉધડો લીધો હતો જેમાં શાસક ભાજપને નીચાજોણું થયા બાદ હવે ભાજપે ધારાસભ્યને ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. ધારાસભ્યને જેટલી ગ્રાન્ટ નથી મળતી તેનાથી અનેકગણી ગ્રાન્ટના વિકાસ કામ માંગતા આ મુદ્દે નવો વિવાદ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
ધારાસભ્યને વર્ષે સરકાર દ્વારા તેમના વિસ્તારના વિકાસ કામ માટે અંદાજીત દોઢ કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે. જ્યારે ભાજપ શાસીત નગરપાલિકાના પ્રમુખે ધારાસભ્યને પત્ર લખી શહેરના વિવિધ વિકાસ કામ માટેનું લીસ્ટ મોકલ્યું છે. લીસ્ટ મુજબના કામ માટે કરોડો રૂપીયાની ગ્રાન્ટ જોઈએ તેવી શક્યતાઓ છે. હવે ધારાસભ્યને માત્ર દોઢ કરોડની જ ગ્રાન્ટ મળતી હોય ત્યારે તેમને 157 ગામડાઓમાં આ ગ્રાન્ટ વાપરવાની હોય છે. નગરપાલિકાના પ્રમુખે ધારાસભ્યને લખેલા પત્રમાં જણાવ્યું કે, આપના સંકલ્પપત્ર મુજબ વિસાવદર શહેરના લોકહિતને ધ્યાને રાખી અલગ-અલગ કામ માટે આપની ગ્રાન્ટમાંથી મંજુર કરવા વિનંતી કરી છે. આ 15 કામ માટે વર્ષોથી નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવી રહ્યા છે પરંતુ કોઈને કોઈ કારણોસર કામગીરી થતી નથી. જેને દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે તે ધારાસભ્ય પાસે એક અબજ જેટલી રકમના કામ માંગવામાં આવતા આ મુદ્દે નવો વિવાદ થાય તેવી શક્યતાઓ છે.