રાજ્યસભામાં નોમિનેટ ત્રણ સભ્યો ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા અને સી સદાનંદને ભાજપનું સભ્યપદ લઈ લીધું છે
New Delhi, તા.૨
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા રાજ્યસભામાં ભાજપને મોટી સફળતા મળી છે. સંસદના ઉપલા ગૃહમાં ભાજપના સાંસદોની સંખ્યા ૧૦૦ને પાર પહોંચી છે. એટલે કે ભાજપે સદી ફટકારી છે. તેવામાં એપ્રિલ ૨૦૨૨ બાદ પ્રથમવાર ભાજપના સાંસદોની સંખ્યા ૧૦૨ પર પહોંચી ગઈ છે. તાજેતરમાં રાજ્યસભામાં નોમિનેટ ત્રણ સભ્યો ઉજ્જવલ નિકમ, હર્ષવર્ધન શ્રૃંગલા અને સી સદાનંદને ભાજપનું સભ્યપદ લઈ લીધું છે, જેથી પાર્ટીને આ સફળતા મળી છે.
હકીકતમાં વર્તમાનમાં રાજ્યસભામાં કુલ ૨૪૦ સભ્ય છે, જેમાંથી ૧૨ સભ્યો નોમિનેટ છે અને ૫ સીટ ખાલી છે. માર્ચ ૨૦૨૨મા જ્યારે ૧૩ સીટો પર ચૂંટણી થઈ હતી ત્યારે ભાજપની સંખ્યા ૯૭થી વધી ૧૦૧ થઈ હતી. તે સમયે કોંગ્રેસ બાદ ભાજપ બીજી પાર્ટી બની હતી જેની સંખ્યા રાજ્યસભામાં ૧૦૦ પાર પહોંચી હતી. બાદમાં તે ઘટીને ૯૯ રહી ગઈ પરંતુ ફરી નોમિનેટ સભ્યો દ્વારા ભાજપ ૧૦૨ પર પહોંચી છે.
રાજ્યસભામાં એનડીએની મજબૂતીમાં પણ વધારો થયો છે. હવે એનડીએ પાસે રાજ્યસભામાં કુલ ૧૩૪ સાંસદ છે. તેમાં ૧૨ નોમિનેટ સભ્યોમાંથી ૫ ભાજપની સાથે છે. રાજ્યસભામાં બહુમત માટે ૧૨૧ સાંસદોની જરૂર હોય છે, એટલે કે એનડીએ પાસે સ્પષ્ટ બહુમત છે. આ સ્થિતિ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપ માટે અનુકૂળ છે.
જે ત્રણ નોમિનેટ સભ્ય ભાજપમાં સામેલ થયા છે તેમાં સૌથી ચર્ચિત નામ ઉજ્જવલ નિકમનું છે, જે ૨૬/૧૧ મુંબઈ હુમલામાં વિશેષ સરકારી વકીલ રહી ચૂક્યા છે. હર્ષવર્ધન શ્રૃંગલા ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને ય્૨૦ સંયોજક રહી ચૂક્યા છે. ત્રીજા સભ્ય સી સદાનંદન કેરળના એક સામાજિક કાર્યકર છે. બીજી તરફ, નામાંકિત સભ્ય મીના કુમારી જૈન પણ સમાચારમાં છે, જોકે તેમણે કોઈ પક્ષનું સભ્યપદ લીધું નથી.
તમને જણાવી દઈએ કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી ૯ સપ્ટેમ્બરે યોજાશે. ચૂંટણી પંચ ૭ ઓગસ્ટે તેનું જાહેરનામું બહાર પાડશે. નામાંકન માટેની છેલ્લી તારીખ ૨૧ ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. મતદાનના કિસ્સામાં, સંસદ ભવનમાં ૯ સપ્ટેમ્બરે મતદાન થશે અને પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.