Gir Somnath,તા.07
સમગ્ર દેશભરમાં જ્યારે ઓપરેશન અભ્યાસ અંતર્ગત બ્લેકઆઉટ (અંધારપટ)નો અભ્યાસ થયો છે, ત્યારે આજે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાએ રાત્રીના ૦૮.૦૦ થી ૦૮.૩૦ કલાક સુધી એમ અડધો કલાક સુધી અંધારપટ પાળ્યો હતો.સામાન્ય રીતે ધંધાકિય ચહલ-પહલ તથા માછીમારીના ઉદ્યોગ સાથે ધબકતાં રહેતા વેરાવળ શહેરે સંપૂર્ણ શિસ્તતા દાખવી દેશકાજે સંપૂર્ણ બ્લેકઆઉટ પાળ્યો હતો. દેશ સામે જ્યારે જોખમ ઉભું થાય ત્યારે ગીર સોમનાથ જિલ્લો પણ ખભેખભો મિલાવી તૈયાર છે, તેનો પરિચય આ અંધારપટ દ્વારા આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, બ્લેકઆઉટ પહેલા ગીર સોમનાથ જિલ્લાના ફાયર વિભાગ, નગરપાલિકા સહિત વિભાગોએ વિવિધ વિસ્તારમાં જઈને નાગરિકોને બ્લેકઆઉટ વિશે સમજણ આપી હતી. તેમજ બ્લેકઆઉટ દરમિયાન શું કરવું અને શું ન કરવું જોઈએ એ વિશે તેમજ સરકારની સૂચનાનું પાલન કરવા જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યાં હતાં.