Sikkim,તા.21
સિક્કિમના નામચી જિલ્લામાં એક અત્યંત દર્દનાક દુર્ઘટના સામે આવી છે. અહીં નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશનના તીસ્તા સ્ટેજ-VI હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની નિર્માણ હેઠળની ટનલમાં મિથેન ગેસના વિસ્ફોટ બાદ ભૂસ્ખલન થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 શ્રમિકોના મોત થયા છે, જ્યારે 18 હજુ પણ ટનલની અંદર ફસાયેલા છે.
ટનલમાં જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ, ઑક્સીજનની કમી
દુર્ઘટના સમયે ટનલમાં NHPCના કર્મચારીઓ સહિત કુલ 25 વર્કર્સ હાજર હતા. બીજા દિવસે પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે, પરંતુ ઝેરી વાયુ અને ઓક્સિજનની ભારે અછતને કારણે બચાવ કાર્યમાં મોટા પડકારો આવી રહ્યા છે.
ટનલની દોઢ કિલોમીટર અંદર થયો બ્લાસ્ટ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટનલની અંદર લગભગ 1.5 કિલોમીટરના અંતરે કુદરતી રીતે ખડકોમાંથી નીકળતો મિથેન ગેસ મોટા પ્રમાણમાં એકઠો થઈ ગયો હતો. જ્યારે આ ઝેરી ગેસને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે અચાનક મોટો વિસ્ફોટ થયો હતો.
બ્લાસ્ટના કારણે ટનલ બંધ થઈ ગઈ
વિસ્ફોટના કારણે ટનલનો એક ભાગ ધસી પડ્યો અને લેન્ડસ્લાઇડ થતાં બહાર નીકળવાનો મુખ્ય રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો. જે સમયે આ અકસ્માત થયો તે સમયે કેટલાક મજૂરો તુરંત બહાર ભાગવામાં સફળ રહ્યા હતા, પરંતુ 25 જેટલા વર્કર્સ અંદર જ અટવાઈ ગયા હતા.
બંગાળની સ્પેશિયલ ટીમ બોલાવાઈ
અંધારું, સાંકડો રસ્તો અને ઓક્સિજન વગર NDRFની પ્રાથમિક ટીમ પણ આગળ વધી શકી નહોતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પડોશી રાજ્ય પશ્ચિમ બંગાળથી ખાસ ગેસ-પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ ધરાવતી નિષ્ણાત ટીમોને તાત્કાલિક બોલાવવામાં આવી છે.
આ ઉપરાંત પાક્યોંગ અને સિલિગુડી સ્થિત NDRFની બીજી બટાલિયનના વધારાના જવાનોને પણ કામગીરીમાં જોડવામાં આવ્યા છે.

