Vadodara,તા.02
વડોદરા કોર્પોરેશનની ચૂંટણી આગામી નવેમ્બરમાં આવનાર છે તેને ધ્યાનમાં રાખી છેલ્લા પૂરની પરિસ્થિતિ થયા બાદ એક વર્ષથી કોર્પોરેશન દ્વારા વિકાસના કામો સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવતા હતા. પરંતુ તાજેતરમાં છેલ્લી બે સ્થાયી સમિતિની બેઠકમાં એક પણ વિકાસનું કામ રજૂ થયું નથી જેથી નવા કમિશનર અરુણ બાબુની નિયુક્તિ થતાં તેઓએ વિઝન વડોદરા-2030 જાહેર કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે હવે તેઓના વિઝન પ્રમાણે નવા વિકાસના કામો તૈયાર થશે. જેથી સ્થાયી સમિતિમાં આવતા વિકાસના કામો પર બ્રેક વાગી ગઈ છે તો બીજીબાજુ વધુ ભાવના ટેન્ડરોને કારણે કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. તાજેતરમાં રાજ્ય સરકારે અચાનક મ્યુનિ.કમિશનર દિલીપ રાણાની બદલી કરવામાં આવતા તેમના સ્થાને મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ વિઝન વડોદરા 2030 નો નવો કન્સેપ્ટ રજૂ કર્યો છે. જેથી ગત બે અઠવાડિયાની સ્થાયી સમિતિમાં કામો રજૂ થતાં અટકી પડ્યા છે. જ્યારે ચૂંટણી વર્ષ હોવાથી ગત ફેબ્રુઆરીથી એપ્રિલ સુધીમાં રૂા.1244 કરોડના કામોની દરખાસ્ત આવી હતી. જ્યારે એક વર્ષમાં થયેલા વિકાસના કામોનું માર્ચના અંતે રૂા.1500 કરોડનું ચૂકવણું કરવામાં આવ્યું હતું.