New Delhi,તા.17
ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં 0-3થી ભયંકર હારનો સામનો કર્યા બાદ, વેસ્ટઈન્ડિઝની ટીમ ઘણી ટીકાઓનો સામનો કરી રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં વેસ્ટઇન્ડીઝની ટીમ માત્ર 27 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ આ સ્થિતિમાં કેમ પહોંચી તેનું કારણ જાણવા માટે ક્રિકેટ વેસ્ટઈન્ડિઝે એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી, જેમાં દિગ્ગજ બ્રાયન લારા, ક્લાઈવ લૉયડ અને વિવિયન રિચર્ડ્સને હાજરી આપવા માટે કહેવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન શું ચર્ચા કરવામાં આવશે તે પછીથી જાણવા મળશે. પરંતુ તે પહેલાં બ્રાયન લારાએ વેસ્ટઈન્ડિઝના ખરાબ પ્રદર્શન માટે આડકતરી રીતે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.
સબીના પાર્ક ખાતે રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝને 176 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સ્ટાર્કે 15 બોલમાં 5 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. બોલેન્ડે હેટ્રિક લીધી હતી અને ઓસ્ટ્રેલિયાએ મેચ જીતીને સિરીઝમાં વેસ્ટઈન્ડિઝનો સંપૂર્ણ સફાયો કર્યો હતો.
બ્રાયન લારાએ એક પોડકાસ્ટ દરમિયાન વેસ્ટઈન્ડિઝના આ શરમજનક પ્રદર્શન વિશે વાત કરી હતી અને આડકતરી રીતે IPL અને અન્ય ફ્રેન્ચાઇઝી લીગને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. આ અંગે બ્રાયન લારાએ કહ્યું હતું કે, ‘હાલ ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમનો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે કરી રહ્યા છે, જેથી તેઓ ફ્રેન્ચાઇઝી માલિકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે. અમારા સમયમાં, અમે પહેલા ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને આગળ આવતા હતા અને પછી રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામતા હતા.’લારાની સાથે ભૂતપૂર્વ ઈંગ્લેન્ડ ક્રિકેટર ડેવિડ લૉયડ પણ આ પોડકાસ્ટનો ભાગ બન્યા. તેમણે વેસ્ટઈન્ડિઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને જવાબદાર ઠેરવી દીધા હતા. આ સંદર્ભમાં, તેમણે કહ્યું, ‘ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારત આ ત્રણ મોટી ટીમ બધા પૈસા લઈ લે છે. તેઓ જ મોટી બ્રોડકાસ્ટ ડીલ મેળવે છે. તમારી પાસે સમાન આવક વિતરણ હોવું જોઈએ જેથી વેસ્ટઈન્ડિઝ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા જેવી ટીમ પણ સ્પર્ધા કરી શકે.’