Jammu-Kashmir-તા,25
ભારતમાંથી પાકિસ્તાન ડિપોર્ટ કરાયેલી એક મહિલાને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે પરત લાવવા આદેશ આપ્યો છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનીઓ ડિપોર્ટેશનની કાર્યવાહીમાં આ મહિલાને પાકિસ્તાન મોકલવામાં આવી હતી. જો કે, કોર્ટે માનવીય આધાર પર ચુકાદો આપતાં કેન્દ્ર સરકારને 10 દિવસની અંદર મહિલાને પરત લાવવા આદેશ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના બાર એન્ડ બેન્ચના જણાવ્યા અનુસાર, રક્ષાંદા રશિદને ભારતે પાકિસ્તાન ડિપોર્ટ કરી હતી. કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતાં 30 એપ્રિલના રોજ રક્ષાંદા હાઈકોર્ટ પહોંચી હતી. 38 વર્ષથી જમ્મુમાં પતિ અને બે બાળકો સાથે રહેતી રક્ષાંદા હાલ લાહોરની એક હોટલમાં રહેવા મજબૂર બની છે. કેન્દ્ર સરકારે આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓને ભારત છોડવા ફરજ પાડી હતી. જેમાં તે પાકિસ્તાનની વતની હોવાથી તેને પણ ડિપોર્ટ કરાઈ હતી.
જસ્ટિસ ભારતીએ છ જૂનના રોજ રક્ષાંદાના પતિની દલીલને ધ્યાનમાં લેતાં આદેશ આપ્યો હતો. પતિએ દલીલ કરી હતી કે, રક્ષાંદાનું પાકિસ્તાનમાં કોઈ નથી. અને તે અનેક બીમારીઓથી પીડાઈ રહી છે. જેથી તેના જીવ પર જોખમ છે. કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, માનવાધિકાર માનવીના જીવનનું મુખ્ય અંગ છે. આથી કોર્ટ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયને નિર્દેશ આપે છે કે, તે અરજદારને પરત ભારત લાવે. અરજદાર LTV લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતી હતી. મહિલા વિશે જાણ્યા વિના તેને ડિપોર્ટ કરવામાં આવી હતી. આથી શેખ જહૂર અહમદની પત્ની રક્ષાંદાને 10 દિવસની અંદર પરત ભારતમાં લાવવામાં આવે.
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ 26 લોકોની નિર્મમ હત્યા બાદ ભારત સરકારે પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરૂપે ભારતમાં વસતા પાકિસ્તાનીઓની હાંકલપટ્ટી કરવામાં આવી હતી. મેડિકલ સિવાયના તમામ વિઝિટર અને વર્ક વિઝા રદ કરવામાં આવ્યા હતાં. પાકિસ્તાનીઓનું મોટાપાયે ડિપોર્ટેશન થયુ હતું.