New Delhi, તા.11
દેશમાં ચૂંટણીઓ પર નજર રાખતી સંસ્થા નેશનલ ઇલેક્શન વોચ – એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સએ તેના તાજેતરના અહેવાલમાં ખુલાસો કર્યો છે કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશના 40 પ્રાદેશિક રાજકીય પક્ષોની કુલ જાહેર આવક રૂ. 2,532.09 કરોડ હતી. જેમાં સૌથી વધુ કમાણી કરનાર પક્ષ કે.ચંદ્રશેખર રાવનો ઇછજ છે. તેવી જ રીતે, અન્ય પક્ષોની આવકના આંકડા પણ સામે આવ્યા છે.
ADR ના આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન, તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ સૌથી વધુ 685.51 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી, જે તમામ 40 પ્રાદેશિક રાજકીય પક્ષોની કુલ આવકના 27.07% છે.
તે પછી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીર્ની ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) નો ક્રમ આવે છે, જેની આવક નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 646.39 કરોડ રૂપિયા હતી, જે તમામ 40 પ્રાદેશિક રાજકીય પક્ષોની કુલ આવકના 25.53% છે.
એટલે કે, BRS અને તૃણમૂલ કોંગ્રેસની કમાણી દેશના 40 પ્રાદેશિક રાજકીય પક્ષોની કુલ કમાણીના અડધાથી વધુ (52.39%) હતી. આ કિસ્સામાં, ત્રીજા સ્થાને ઓડિશાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજુ જનતા દળ (BJD)નો કબજો છે, જેની કમાણી 297.80 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
સૌથી વધુ આવક ધરાવતા ટોચના 5 પ્રાદેશિક રાજકીય પક્ષોની કુલ આવક 2105.82 કરોડ રૂપિયા હતી, જે 40 રાજકીય પક્ષોની કુલ આવકના 83.17% હતી. પ્રાદેશિક રાજકીય પક્ષોમાં, તૃણમૂલ કોંગ્રેસે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન વાર્ષિક આવકમાં સૌથી વધુ વધારો નોંધાવ્યો છે.
નાણાકીય વર્ષ 2022-23માં તૃણમૂલ કોંગ્રેસની કુલ આવક 333.45 કરોડ રૂપિયા હતી, જે એક વર્ષ પછી 2023-24માં વધીને 646.39 કરોડ રૂપિયા થઈ ગઈ, એટલે કે એક વર્ષમાં કમાણીમાં 312.19 કરોડ રૂપિયાનો વધારો થયો.
નેશનલ ઇલેક્શન વોચ – એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2022-23 અને નાણાકીય વર્ષ 2023-24 વચ્ચે, TDP ની આવકમાં રૂ. 221.07 કરોડનો વધારો થયો છે અને BJD ની આવકમાં રૂ. 116.753 કરોડનો વધારો થયો છે.
પ્રાદેશિક રાજકીય પક્ષોની વાર્ષિક આવકના આ આંકડા ભારતના 60 માંથી 40 પ્રાદેશિક પક્ષો દ્વારા ચૂંટણી પંચને સુપરત કરાયેલા તેમના ઓડિટ અહેવાલોમાં જાહેર કરાયેલ કુલ આવક અને ખર્ચના વિશ્લેષણ પર આધારિત છે.