London,તા.15
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડે મેચમાં જસપ્રિત બુમરાહે બાઉન્ડ્રી લાઈન પર એક એવો અદ્ભુત કેચ પકડ્યો, જેને જોઈને ક્રિકેટ ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ કેચ એટલો શાનદાર હતો કે સોશિયલ મીડિયા પર ફેન્સે તેને ‘સૂર્યા મોમેન્ટ પાર્ટ-2’ કહેવાનું શરૂ કરી દીધું છે. આ કેચના કારણે મેચનો આખો રૂખ બદલાઈ ગયો હતો.મેચની 12મી ઓવરમાં ભારતીય બોલર ગુરનૂર બરારે શાનદાર બોલિંગ કરીને ઈંગ્લેન્ડના બંને ઓપનરોને પેવેલિયન ભેગા કર્યા હતા. ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટે મોટો શૉટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ કરી રહેલા જસપ્રિત બુમરાહે અશક્ય દેખાતા કેચને અદ્ભુત સ્ફૂર્તિ સાથે પકડી લીધો હતો. ડકેટ 43 રન બનાવીને આઉટ થતાં જ ઈંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.બુમરાહનો આ કેચ જોઈને ફેન્સને 2024ના ટી20 વર્લ્ડ કપની ફાઈનલ યાદ આવી ગઈ હતી. તે સમયે સૂર્યકુમાર યાદવે સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરનો આવો જ એક ઐતિહાસિક કેચ પકડીને ભારતને વર્લ્ડ કપ જીતાડ્યો હતો. બુમરાહે પણ આજે બાઉન્ડ્રી લાઈન પર એવો જ જાદુ કરીને ડકેટની ઈનિંગનો અંત આણ્યો હતો, જેનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે.બેન ડકેટના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ઈનિંગ લડખડાઈ ગઈ હતી અને ટીમે 107 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ જો રૂટ (76 રન અણનમ) અને લિયામ ડોસને (68 રન) 121 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી હતી. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા અક્ષર પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડની આખી ટીમ 47.5 ઓવરમાં 258 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે.

