Ahmedabad,તા.૧૯
અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓને લઈને એક ગંભીર ઘટના સામે આવી છે. સૂતા આતંકી પર જ અન્ય ત્રણ કેદીઓએ હુમલો કર્યો હતો, હવે આ હુમલાની ફરિયાદ રાણીપ પોલીસમાં નોંધાઈ છે. ઘટનાની વિગત બહાર આવતા જ જેલ સુરક્ષા અંગે સવાલો ઉભા થયા છે. રાણીપ પોલીસે આ મામલે જેલ પ્રશાસન પાસેથી સમગ્ર માહિતી મેળવીને ગુનો દાખલ કરીને આગાળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સાબરમતી જેલની બેરેકમાં આતંકી અહેમદ સૈયદ, આઝાદ અને સોહેલ સુતા હતા ત્યારે આ ઘટના બની હતી. હુલાખોર કેદી તેમની બેરેકમાં ઘુસી ગયા અને અહેમદને માર માર્યો હતો. જો કે આતંકી સાથે મારપીટ કરવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સાબરમતી જેલમાં આતંકીને માર મારવાના કેસમાં ફરિયાદ દાખલ થઈ છે.
રાણીપ પોલીસે આતંકી પર હુમલાના મામલે ૩ કેદી – અનિલ ખુમાણ, શિવમ શર્મા અને અંકિત લોધા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રાણીપ પોલીસ હવે હુમલાખોર કેદીની જેલમાંથી કસ્ટડી મેળવીને આગળની તપાસ કરશે. રાણીપ પોલીસ કેદીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરશે. માહિતી પ્રમાણે, આતંકી પર હુમલાના આરોપી કેદીઓને જેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવશે અને ઘટનાની વિગતવાર પૂછપરછ કરવામાં આવશે.
૯ નવેમ્બર ૨૦૨૫ના રોજ ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આઇએસઆઇએસના ત્રણ આતંકીઓને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. આ ત્રણ કેદીઓ સાથે આજે ત્રણ અન્ય કેદીઓએ મળીને માથાકૂટ કરી અને એક આતંકીને માર માર્યો હતો. આ ઘટના પછી પોલીસે જેલમાં પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ, મારમારીના કારણ વિશેષ તપાસ કરવામાં આવી રહી છે. આ મારામારીમાં આતંકીને આંખમાં ઈજા થઈ છે, જેને તરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. તપાસ દરમિયાન આ આતંકીનો નિવેદન નોંધવામાં આવ્યો છે, અને તે મુજબ ત્રણ કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

