New Delhi,તા,10
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફરી પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ દરમિયાન ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાનમાં Cease Fire લાગુ થઈ ગયું છે. ભારતે પોતાની શરતો પર Cease Fire લાગુ કર્યું છે. બંને દેશોના DGMO વચ્ચે આજે બપોરે 3.35 કલાકે વાતચીત થઈ હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકથી Cease Fire લાગુ થઈ ગયું છે.
ઓપરેશન સિંદૂર બાદથી બેબાકળું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ભારત અને પાકિસ્તાન બંને દેશો Cease Fire માટે તૈયાર થયા છે. ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધ વિરામ (Cease Fire) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના.’
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે ‘છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપ પ્રમુખ જે. ડી. વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ વાત કરાઈ છે. ત્યાર બાદ ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ વિરામ-Cease Fire માટે રાજી થયા છે.’
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ Cease Fireની જાહેરાત કરતાં કહ્યું છે, કે ‘પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરાઈ છે. હવે બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.’