New Delhi તા.25
સુપ્રીમકોર્ટે ગઈકાલે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ (એચએસએ)ની ધારા મુજબ એક મહત્વની ટિપ્પણી કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે નિઃસંતાન હિન્દુ વિધવાના મૃત્યુ બાદ તેની સંપતિ તેના પિયરિયાના બદલે સાસરિયાને મળે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હિન્દુ વિવાહમાં જયારે કોઈ મહિલાના લગ્ન થાય છે તા તેનું ગૌત્ર બદલાઈ જાય છે અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે.
ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્નાએ કહ્યું હતું કે હિન્દુ સમાજમાં `કન્યાદાન’ની ધારણા છે, જે અંતર્ગત વિવાહ સમયે મહિલાનું ગોત્ર બદલીને તેના પતિના ગોત્રમાં સામેલ થઈ જાય છે. નોંધનીય છે કે ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્ના સુપ્રીમકોર્ટની એકમાત્ર મહિલા જજ છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે આવી પરંપરાને તોડવા નથી માંગતી, જે સદીઓથી ચાલી આવી રહી છે.
શું છે મામલો?
મામલો એક નિઃસંતાન હિન્દુ વિધવાની સંપત્તિના ઉત્તરાધિકાર સાથે જોડાયેલો છે, જે વસીયત વિના મૃત્યુ પામે છે. હાલના કાયદા મુજબ આવી સ્થિતિમાં સંપતિ પિયરિયાના બદલે સાસરિયાવાળાઓને આપવામાં આવે છે. કોર્ટમાં અનેક આજીઓથી આ સવાલ ઉઠયો છે કે શું આ જોગવાઈ ઉચિત છે.
એક કેસમાં કોરોનાના કારણે એક યુવા દંપતીનું મૃત્યુ થઈ ગયુ અને હવે પુરુષની મા અને મહિલાની મા વચ્ચે સંપતિને લઈને કાનૂની જંગ છેડાયો છે. પુરુષની માતાનો દાવો છે કે તેને પુરી સંપતિ મળવી જોઈએ, જયારે મહિલાની માતા પોતાની પુત્રીની કમાણી અને સંપતિ પર હક બતાવે છે.
એક અન્ય કેસમાં નિઃસંતાન દંપતીના મૃત્યુ બાદ પુરુષની બહેન સંપતિ પર દાવો કરી રહી છે. અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આ એક જનહિતનો કેસ છે અને સુપ્રીમકોર્ટના હસ્તક્ષેપની જરૂરત છે.
ન્યાયમૂર્તિ બી.વી.નાગરત્ના અને આર.મહાદેવનની બેન્ચે અરજદારના વકીલને કડક સવાલો કર્યા હતા. ન્યાયમૂર્તિ નાગરત્નાએ કહ્યું હતું કે એક વિવાહિત મહિલા પોતાના ભાઈની સામે ભરણપોષણનો દાવો નથી કરતી. ખાસ કરીને દક્ષિણ ભારતમાં વિવાહના રીત-રિવાજોમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે મહિલા એક ગોત્રમાંથી બીજા ગોત્રમાં જાય છે.
ન્યાયમૂર્તિએ એ પણ જણાવ્યું કે કોઈ મહિલા ઈચ્છે તો વસીયતથી પોતાની સંપતિનો ભાગ પાડી શકે છે અને બીજીવાર વિવાહ કરી શકે છે. જો કે હાલના કાયદા (એચએસએની ધારા 15(1)(બી)) અંતર્ગત જો કોઈ નિઃસંતાન વિધવાનું કોઈ વસીયત વિના મૃત્યુ થઈ જાય છે.
તેણે, બીજીવાર લગ્ન નથી કર્યા તો તેની સંપતિ તેના પતિના વારસોને મળે છે, નહીં કે તેના પિયરિયાના લોકોને.સુપ્રીમકોર્ટે એક સંપતિના વિવાદના કેસમાં મધ્યસ્થતા માટે આ ધારાની કાયદેસરતા પર સુનાવણીને નવેમ્બર સુધી સ્થગીત કરી દીધી છે.