Chotila, તા.૧૩
ચોટીલા તાલુકાના પંચાયત છેલ્લા ઘણા દિવસોથી જાણે કોઈ રણીધણી ના હોય તેવી ફરીયાદ ઉઠી છે ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા એક વિડીયો જીલ્લા વિકાસ અધિકારીને મોકલતા ચોટીલાના ખેરાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને દસાડા ખાતે ફરજ મૌકુફીનો હુકમ કરતા જીલ્લાના પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.
યાત્રાધામ ચોટીલાની તાલુકા પંચાયતમાં ખોરાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કે.ડી.ચાવડાનો વિડીયો જિલ્લાના ઉચ્ચ અધિકારીને મળતા કલાકોમાં અસરકારક પગલા ભરાયા છે. જેમાં ચોટીલા તાલુકા પંચાયતના ખેરાણા ગામના તલાટી દ્વારા પંચાયત કર્મચારીને છાજે નહી તેવુ કૃત્ય કરી ગુજરાત પંચાયત સેવા (વર્તણુંક) નિયમો-૧૯૯૮ ના નિયમ-૬ નો ભંગ કર્યો હતો. જે ઘ્યાને લેતા કે.ડી.ચાવડા સામે શિસ્ત પાલનની કાર્યવાહી હાથ ધરી ગુજરાત પંચાયત સેવા, શિસ્ત અને અપીલ-નિયમો-૧૯૯૭ ના નિયમ-૬ નીચે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે તેવો કિસ્સા હોય જેથી ચાવડાને ફરજ પર ચાલુ રાખવા પંચાયત સેવાના હિતમાં ન હોઈ તલાટી-કમ-મંત્રી, ખેરાણા હસ્તકનો તમામ ચાર્જ અન્યને સંપૂર્ણ પણે સોંપાવી તાત્કાલીક અરસથી ફરજ મોકુફી ઉપર મુકત કરવામાં આવેલ છે. ફરજ મોકુફી દરમ્યાન કર્મચારીનુ કાર્યમથક દસાડા તાલુકા પંચાયત મુકાતા જિલ્લાના બેડામાં ખળભળાટ મચી ગયો છે.