નાતાલ પૂર્વે અને ખાસ વિદેશી ફંડ મેનેજરો ક્રિસમસ વેકેશન પર જતાં પૂર્વે આજે વૈશ્વિક બજારોમાં દરેક એસેટ ક્લાસમાં અણધાર્યો કડાકો બોલાઈ ગયો હતો. વૈશ્વિક શેર બજારો, બિટકોઈન, સોના-ચાંદી સહિતમાં ધબડકા સાથે આજે અનેક લોકોની સમજ બહાર ભારતીય શેર બજારોમાં મોટી મંદીની શરૂઆત થઈ હોઈ એમ સેન્સેક્સ, નિફટી કડડભૂસ થઈ નવા તળીયાની શોધમાં દરેક સપોર્ટ લેવલ ગુમાવતા જોવાયા હતા. શેરોની જાતે જાતમાં કડાકા બોલાયા હતા. ફોરેન ફંડોની વેચવાલી સાથે આ સપ્તાહમાં કડાકામાં મોટા ઓપરેટરો, મહારથીઓની મોટી ભૂમિકા રહી હોવાની ચર્ચા હતી.
કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરો સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ બેંકિંગ શેરોમાં નવા અસાધારણ ગાબડાં પડયા હતા. સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ખરીદદાર શોધ્યા નહીં જડવાની સ્થિતિ સર્જાવા લાગી અનેક શેરોના ભાવો ઓછા ટ્રેડીંગ વોલ્યુમે પત્તાના મહેલની માફક તૂટતાં જોવાયા હતા. સેન્સેક્સ ૧૧૭૬.૪૬ પોઈન્ટ તૂટીને ૭૮૦૪૧.૫૯ અને નિફટી ૫૦ સ્પોટ ૩૬૪.૨૦ પોઈન્ટ તૂટીને ૨૩૫૮૭.૫૦ બંધ રહ્યા હતા. આ સાથે ચાલુ સપ્તાહમાં પાંચ ટ્રેડીંગ દિવસમાં સેન્સેક્સ ૮૨૧૩૩.૧૨ની ૧૩, ડિસેમ્બરની સપાટીથી ૪૦૯૧.૫૩ પોઈન્ટ અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૨૪૭૬૮.૩૦ની સપાટીથી ૧૧૮૦.૮૦ પોઈન્ટ તૂટયા છે. જ્યારે પાંચ દિવસમાં શેરોમાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૮.૪૩ લાખ કરોડનું ધોવાણ થયું છે.
ઓટો ઈન્ડેક્સ તૂટયો
ઓટોમોબાઈલ શેરોમાં ફંડો, મહારથીઓએ તેજીનો મોટો વેપાર ખંખરવા સાથે મંદીમાં આવી ગયાના અહેવાલો વચ્ચે આજે ધડામ તૂટયા હતા. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૮.૬૫ તૂટીને રૂ.૨૯૦૬.૪૦, ટાટા મોટર્સ રૂ.૨૦.૩૦ તૂટી રૂ.૭૨૪, બોશ રૂ.૯૫૫.૭૫ તૂટીને રૂ.૩૪,૫૭૪.૪૦, સુંદરમ રૂ.૩૦.૪૫ તૂટીને રૂ.૧૦૮૮, બજાજ ઓટો રૂ.૧૮૭.૮૫ તૂટીને રૂ.૮૭૮૬.૬૫, એમઆરએફ રૂ.૧૮૦૬.૫૦ તૂટીને રૂ.૧,૨૮,૦૨૨.૪૫, અશોક લેલેન્ડ રૂ.૧.૯૫ ઘટીને રૂ.૨૧૭.૨૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૭૭.૮૧ પોઈન્ટ તૂટીને ૫૧૧૪૮.૮૪ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સમાં ગાબડુ
કેપિટલ ગુડઝ શેરોમાં પણ સતત ફંડો, ખેલંદાઓએ ધૂમ વેચવાલી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૧૩૮.૦૫ પોઈન્ટ તૂટીને ૬૮૫૫૭.૪૦ બંધ રહ્યો હતો.હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૯૩.૭૦ તૂટીને રૂ.૪૧૮૯.૭૫, પોલીકેબ રૂ.૩૦૬.૭૫ તૂટીને રૂ.૭૧૮૦.૭૦, ભેલ રૂ.૭ ઘટીને રૂ.૨૩૫.૨૫, ગ્રાઈન્ડવેલ રૂ.૬૦.૧૦ ઘટીને રૂ.૨૦૨૯.૬૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૮૨.૩૫ ઘટીને રૂ.૩૬૩૦.૬૦ રહ્યા હતા.
બેંકેક્સ ૯૭૬ પોઈન્ટ તૂટયો
બેંકિંગ શેરોમાં પણ ફંડોએ મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૯૭૬.૨૬ પોઈન્ટ તૂટીને ૫૭૭૫૨ બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૩૪.૦૫ તૂટીને રૂ.૯૩૦, ફેડરલ બેંક રૂ.૬.૯૦ ઘટીને રૂ.૧૯૪.૦૫, બેંક ઓફ બરોડા રૂ.૮.૩૫ ઘટીને રૂ.૨૩૯.૯૦, એક્સિસ બેંક રૂ.૩૬.૩૫ ઘટીને રૂ.૧૦૭૨.૧૦, કેનેરા બેંક રૂ.૩.૨૫ ઘટીને રૂ.૯૯.૬૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૩૦ ઘટીને રૂ.૮૧૨.૫૦ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ તૂટયો
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ આજે ફંડો, મહારથીઓએ તેજીનો મોટો વેપાર ખંખેરવાનું ચાલુ રાખતાં નવા ગાબડાં પડયા હતા. એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૨૪૯.૯૫ તૂટીને રૂ.૪૮૩૭.૧૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૬૧૩.૭૫ તૂટીને રૂ.૧૨,૨૧૦, પર્સિસ્ટન્ટ રૂ.૩૧૫.૫૦ તૂટીને રૂ.૬૩૬૬.૯૦, સિએન્ટ રૂ.૯૧.૬૫ તૂટીને રૂ.૧૯૨૫.૯૦, ટાટા એલેક્સી રૂ.૩૦૭.૨૦ તૂટીને રૂ.૬૯૨૨.૯૫, ટેક મહિન્દ્રા રૂ.૬૯.૭૦ ઘટીને રૂ.૧૬૮૫.૨૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૧૨૩.૨૫ પોઈન્ટ તૂટીને ૪૩૬૦૮.૧૩ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વેચવાલી
હેલ્થકેર શેરોમાં પણ ફંડો, ઈન્વેસ્ટરોએ આજે મોટી વેચવાલી ચાલુ રાખી હતી. ફાઈઝર રૂ.૩૪૫.૧૦ તૂટીને રૂ.૪૬૬૭, બાયોકોન રૂ.૧૪.૪૦ ઘટીને રૂ.૩૩૫.૯૫, મોરપેન લેબ રૂ.૩.૩૬ ઘટીને રૂ.૭૯.૯૨, વિમતા લેબ્સ રૂ.૪૦ તૂટીને રૂ.૯૫૯.૨૫, નાટકો ફાર્મા રૂ.૫૭.૯૦ ઘટીને રૂ.૧૪૧૮.૭૫, ન્યુલેન્ડ લેબ રૂ.૪૫૯.૯૫ ઘટીને રૂ.૧૩,૯૭૦, એસએમએસ ફાર્મા રૂ.૧૧.૪૦ ઘટીને રૂ.૨૩૧.૯૫ રહ્યા હતા.
મેટલ ઈન્ડેક્સ તૂટયો
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે મોટું ઓફલોડિંગ કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૨૨.૯૬ પોઈન્ટ તૂટીને ૨૯૬૨૪.૪૩ બંધ રહ્યો હતો. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૪.૧૦ તૂટીને રૂ.૭૧૬.૫૫, વેદાન્તા રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૪૭૭.૫૦, નાલ્કો રૂ.૫.૪૦ ઘટીને રૂ.૨૧૫.૪૦, કોલ ઈન્ડિયા રૂ.૯.૫૫ ઘટીને રૂ.૩૮૨.૭૫, જિન્દાલ સ્ટીલ રૂ.૧૪ ઘટીને રૂ.૯૦૮, હિન્દાલ્કો રૂ.૫.૭૫ ઘટીને રૂ.૬૨૩.૭૫ રહ્યા હતા.
૩૦૪૪ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટીના કડાકા સાથે ગભરાટમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં રિટેલ ઈન્વેસ્ટરો વેચવા દોડતાં અને સામે ખરીદદાર ઓછા રહેતાં સંખ્યાબંધ શેરોના ભાવો ઓછા વોલ્યુમે તૂટતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૮૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૮૯થી ઘટીને માત્ર ૯૫૮ અને ઘટનારની સંખ્યા ૨૪૧૪થી વધીને ૩૦૪૪ રહી હતી.
FPIની રૂ.૩૫૯૮ કરોડની વેચવાલી
એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૩૫૯૭.૮૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૩૭૪.૩૭ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. આમ આ સપ્તાહના પાંચ ટ્રેડીંગ દિવસમાં એફપીઆઈઝની કેશમાં રૂ.૧૫૮૨૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી અને ડીઆઈઆઈની રૂ.૧૨,૩૪૧ કરોડની ચોખ્ખી ખરીદી નોંધાઈ છે.
રોકાણકારોની સંપતિ રૂ.૮.૭૭ લાખ કરોડના ધોવાણે રૂ.૪૪૦.૯૯ લાખ કરોડ રહ્યું
સેન્સેક્સ, નિફટી ધબડકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓલ રાઉન્ડ ધૂમ વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮.૭૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૪૦.૯૯ લાખ કરોડ રહ્યું હતું. પાંચ દિવસમાં શેરોમાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૧૮.૪૩ લાખ કરોડનું ધોવાણ થયું છે.