Rajkot,તા.16
આજે વહેલી સવારે રાજકોટમાં કરૂણ સાથે અરેરાટીભરી ઘટના ઘટી હતી જેમાં કાળમુખી સીટી બસના ચાલકે અનેક લોકોને કચડી નાખતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા.
જયારે બેથી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે તુરંત જ સીવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના ઈન્દીરા સર્કલ પાસે બની હતી. અકસ્માતના બનાવથી લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા. અને વિફરેલા લોકોએ સીટી બસમાં તોડફોડ કરી રોષ ઠાલવ્યો હતો.
ઘટનાની જાણ થતા ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સ્થિતિને કાબુમાં લેવા હળવો લાઠીચાર્જ પણ કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ આજે વહેલી સવારે લોકો પોતાના નોકરી, ધંધા કે અભ્યાસ માટે જવા ઘરેથી નીકળી ઈન્દીરા સર્કલ પાસે પહોંચ્યા હતા. ત્યારે કેટલાક લોકો વાહનોની રાહ જોતા હતા તેમજ કેટલાક લોકો પોતાના વાહનો લઈ ઈન્દીરા સર્કલ પાસે પહોંચ્યા હતા ત્યારે સીગ્નલ બંધ હોવાથી લોકો સીગ્નલ ખુલવાની રાહ જોઈ રહ્યા હતા.
દરમ્યાન જાણવા મળેલ વિગત મુજબ નાના મવા તરફથી આવતી એક સીટી બસના ચાલકે સીગ્નલ બંધ હોવા છતા પુરપાટ ઝડપે પોતાની બસ દોડાવી તે દરમ્યાન ખુલેલા સીગ્નલમાં જઈ રહેલા લોકોને હડફેટે લઈ કચડી નાખ્યા હતા.
જેમાં ત્રણ લોકોના ગંભીર ઈજા પહોંચવાથી ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે બે લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ સીટી બસમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. ત્યારે બનાવની જાણ થતા મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્ફોટક સ્થિતિને કાબુમાં લેવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. હાલ પોલીસે મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ મેળવવા તજવીજ આદરી છે.
આજે વહેલી સવારે ઈન્દીરા સર્કલ પાસે કાળમુખા સીટી બસના ચાલકે અનેક વાહનોને હડફેટે લેતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. જયારે ત્યાં હાજર સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સીટી બસનો ચાલક નશાની હાલતમાં હતો જે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.
રાજકોટના ઇન્દિરા સર્કલે બી. આર. ટી. એસ. સિટી બસે અનેકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે ઈજાગ્રસ્તને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
જેમાં બસના ચાલકનો પણ સમાવેશ થાય છે. બસ ચાલકનું નંબર શિશુપાલસિંહ ઝાલા હોવાનું જાણવા મળે છે. તેને સિવિલ હોસ્પિટલ ખસેડતા ગંભીર ઈજા હોવાનું જાણવા મળે છે.
તેને ઇમરજન્સી વિભાગમાં આઇસીયુ હેઠળ સારવારમાં રાખવામાં આવેલ છે. બીજા એક ઈજાગ્રસ્ત વિશાલભાઈ રાજેશભાઈ મકવાણા (ઉં.વ.25)ને પણ સારવારમાં દાખલ કરાયા છે.
તેને હાથમાં અને માથામાં ઈજા થઈ છે. તેઓના જણાવ્યા મુજબ, પોતે લાદી કામ કરતા હોય, પોતાના બાઈક પર સાધુ વાસવાણી રોડ પર સાઈટ જતા હોય, બસે પાછળથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.