New Delhi, તા.4
સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે ફરી ટકકર સર્જાઇ છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને કડક ફટકાર લગાવી છે. કારણ કે સરકારે અચાનક માંગ કરી દીધી હતી કે ટ્રીબ્યુનલ રિફોર્મ્સ એકટ (જે અંતર્ગત અલગ અલગ ટ્રીબ્યુનલોના ચેરપર્સન અને મેમ્બર્સની શરતો નકકી કરવામાં આવે છે) સાથે સંકળાયેલી અરજીઓને પાંચ જજોની બંધારણીય પીઠને મોકલવામાં આવે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી.આર.ગવઇના આગેવાનીવાળી બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી હતી. અરજદારોની દલીલો પૂરી સાંભળ્યા બાદ એટર્ની જનરલ આર.વેંકટમણીના અનુરોધ પર સુનાવણી કેટલાક દિવસ માટે ટાળી દેવામાં આવી હતી કારણ કે તેમને એક ઇન્ટરનેશનલ ઓર્બિટ્રેશનમાં ભાગ લેવાનો હતો પરંતુ જયારે પછીની સુનાવણીના ઠીક અગાઉ કેન્દ્ર સરકારે અડધી રાત્રે આ નવી અરજી દાખલ કરી તો સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી.
સીજેઆઇ ગવઇએ કહ્યું હતું કે, અમને આશા નહોતી કે કેન્દ્ર સરકાર આ પ્રકારની રણનીતિ અપનાવશે અને અદાલતની સાથે આવી રમત રમશે. આ ચોંકાવનારી બાબત છે કે અરજદારોની દલીલો પૂરી થયા બાદ સરકાર હવે 5 જજોની બેન્ચની માંગ કરી રહી છે.
ગવઇએ વધુમાં કહ્યું અમે આ અરજીને ફગાવી દઇએ છીએ અને એ પણ નોંધીએ છીએ કે કેન્દ્ર સરકાર આવું પગલું એટલા માટે ઉઠાવી રહી છે કારણ કે હું જલદી રિટાયર થવાનો છું.
એટર્ની જનરલે સફાઇમાં શું કહ્યું
એટર્ની જનરલે સફાઇ આપતા કહ્યું હતું કે, સરકારનો ઇરાદો અદાલતને ગેરમાર્ગે દોરવાનો નહોતો, બલકે તેમને  લાગ્યું કે એમાં બંધારણની વ્યાખ્યા સાથે જોડાયેલા ગંભીર સવાલો છે. જેને મોટી બેન્ચે જોવા જોઇએ પરંતુ સીજેઆઇ ગવઇએ સાફ શબ્દોમાં સંભળાવી દીધુ, સરકારે અડધી રાત્રે અરજી દાખલ કરી આ અદાલતની પ્રક્રિયા સાથે રમત છે. જો અમને લાગશે કે મામલો પાંચ જજોની બેન્ચને મોકલવો જરૂરી છે. તો અમે ખુદ એવું કરશું. બાદમાં સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલની દલીલો સાંભળી અને આગામી સુનાવણી 7 નવેમ્બર સુધી ટાળી દેવાઇ.
સરકારની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આ મામલો બંધારણની વ્યાખ્યા સાથે જોડાયેલા મહત્વના સવાલો ઉઠાવે છે એટલે તેને બંધારણની બેન્ચને મોકલવામાં આવે સાથે સાથે જ કેન્દ્રે જો પણ સવાલ ઉઠાવ્યો કે શું સુપ્રીમ કોર્ટ સંસદને નિર્દેશ દઇ શકે છે કે તે કોઇ કાયદો ખાસ પધ્ધતિથી બનાવે કારણ કે આમ કરવું બંધારણના સેપરેશન ઓફ પાવર એટલે કે શકિતઓના વિભાજનના સિધ્ધાંતનો ભંગ થઇ શકે છે.

