Rajkot,તા.3
રાજયકક્ષાના ખેલ મહાકુંભ 3.0નો આવતીકાલે તા.4ને શનિવારના સાંજના 5-30 કલાકે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિ.ના સ્પોર્ટસ એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતેથી રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થનાર હોય કાર્યક્રમની તૈયારીઓને વહીવટી તંત્ર દ્વારા આખરીઓપ આપી દેવામાં આવેલ છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આજે સવારના અધિકારીઓ સાથે યુનિ.ના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે દોડી જઈ સ્થળ તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપેલ હતું. મુખ્યમંત્રીના આ કાર્યક્રમ માટે આજે સાંજે રિહર્સલ કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની આ મુલાકાત દરમિયાન અડધો ડઝન જેટલા કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. જેમાં મુખ્યમંત્રી આવતીકાલે તા.4ને શનિવારે બપોરે 3 કલાકે ખાસ એરક્રાફટમાં હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચશે.
ત્યારબાદ ત્યાંથી સીધા હેલીકોપ્ટર મારફતે પ્રાંસલા પહોંચી રાષ્ટ્રકથા શિબીરમાં હાજરી આપશે. જે બાદ પ્રાંસલાથી હેલીકોપ્ટર મારફતે 5 કલાકની આસપાસ નિકળી 5-25 કલાકે રાજકોટના જૂના એરપોર્ટ પર પહોંચશે.
જયાંથી બાય રોડ નિકળી સૌરાષ્ટ્ર યુનિ.ના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે પહોંચી રાજયકક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ ત્યાંથી નિકળી 6-45 કલાકે ધીરગુરૂ મેડીકલ કોમ્પલેક્ષ (રૈય રોડ) ખાતે પહોંચી હાઈડ્રોલીક એનીમલ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન કરશે.
ત્યારબાદ તેઓ ત્યાંથી નિકળી રોયલ સેફ્રોન પાર્ટીપ્લોટ કાલાવડ રોડ ખાતે આયોજિત રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં 7 કલાકે હાજરી આપશે જે બાદ તેઓ રઘુકુલરાજ રેસીડેન્સી (નાનામવા મેઈન રોડ) ખાતે રાત્રીના 8-20 કલાકે પહોંચી ડો.ભરત બોઘરા કે જેઓ યુનિટી ફાઉન્ડેશનના ચેરમેન છે તેમના નિવાસસ્થાને તેઓ રાત્રી ભોજન લેશે.
ત્યારબાદ તેઓ યુનિટી ફાઉન્ડેશન આયોજિત 81 દિકરીઓના સમૂહલગ્ન નિમિત્ત સત્ય સાંઈ રોડ આલાપ હેરીટેજ ખાતે આયોજિત કરાયેલ લોકડાયરામાં રાત્રીના 9 કલાકે હાજરી આપશે.
જે બાદ તેઓ 9 કલાકે બાયરોડ હિરાસર એરપોર્ટ પર પહોંચી ત્યાંથી સ્ટેટ એરક્રાફટમાં અમદાવાદ જવા રવાના થશે. આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે બપોરના ત્રણ કલાકે રાજકોટ આવી પહોંચ્યા બાદ રાત્રીના 10 કલાક સુધી રાજકોટમાં રોકાણ કરનાર છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે રાજયના ગૃહ અને રમત ગમત વિભાગના મંત્રી પણ રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય રાજકોટ એસ.ટી. ડીવીઝનની વિભાગીય કચેરીનું કૃષિમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ત્યારબાદ તેઓ સાંજના 5-30 કલાકે યુનિ. ખાતે ખેલ મહાકુંભમાં હાજરી આપશે જે બાદ તેઓ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ રાજ રેસીડેન્સીમાં મુખ્યમંત્રી સાથે ભોજન લેશે જે બાદ તેઓ યુનિટી ફાઉન્ડેશનના લોકડાયરામાં હાજરી આપશે.