Gandhinagar,તા.૧૦
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામડાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ખેતરોમાં ઊભો પાક તબાહીનો શિકાર થયો છે. આવી સ્થિતિમાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ બનાસકાંઠાની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ લેશે અને સ્થળ પર રાહતકાર્યની સમીક્ષા કરશે.
બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગામ સહિતના અનેક ગામોમાં હાલત વધુ જ ગંભીર છે. પાણી ઊતરવાનું નામ નથી લેતું અને ગ્રામજનો મુશ્કેલીમાં જીવી રહ્યા છે. અનેક ખેતરોમાં પાક નાશ પામ્યો છે, જ્યારે ઘરોમાં પાણી ઘૂસી જતાં સામાન્ય જીવન પ્રભાવિત થયું છે. ચાર દિવસથી વરસાદ ચાલુ રહેતા સ્થાનિક લોકોની મુશ્કેલી વધી રહી છે.
વિધાનસભાના ચોમાસા સત્રના અંતિમ દિવસે આ મુદ્દે ખાસ ચર્ચા થઈ હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ સરકાર તરત સતર્ક બની ગઈ હતી. ત્રણ કરોડ જેટલા લોકોને એસએમએસ મોકલીને અગાઉથી ચેતવણી આપવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ પરથી મુખ્યમંત્રી પોતે પરિસ્થિતિની સતત માહિતી મેળવી રહ્યા હતા.”
તેમણે વધુમાં ઉમેર્યું કે બનાસકાંઠામાં રાહત અને બચાવ માટે પૂરતી તાકાત સાથે તંત્ર તૈનાત છે. પાંચ અધિકારીઓની ખાસ નિમણૂક કરાઈ છે. ઉપરાંત,એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોને પણ જિલ્લામાં મોકલવામાં આવી છે.
સરકારના જણાવ્યા મુજબ, બનાસકાંઠામાં અત્યાર સુધીમાં ૧૭ પુરૂષો અને ૫ સ્ત્રીઓનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સાથે જ ૩૧૪૮ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લોકજીવનને સુરક્ષિત રાખવા માટે તંત્ર સતત કાર્યરત છે અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં જરૂરી મદદ પહોંચાડવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેતરોમાં ઊભેલા પાક પાણીમાં ગરકાવ થઈને નાશ પામ્યા છે. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું કે, “પાક નુકસાનનું સંપૂર્ણ વળતર ખેડૂતોને આપવામાં આવશે. સાથે કેશ ડોલ થકી પણ વળતર ચૂકવવામાં આવશે.”
આ મુદ્દે કોંગ્રેસ તરફથી પણ સરકારને ઘેરવાનો પ્રયાસ થયો હતો. દંડક કિરીટ પટેલે ખેડૂતોને થયેલા નુકસાન અને પુરપરિસ્થિતિ પર વિધાનસભામાં ચર્ચા કરવાની અરજી કરી હતી. જો કે, આ અરજી સ્વીકારવામાં આવી નહોતી.
બનાસકાંઠામાં સર્જાયેલી પુર જેવી સ્થિતિએ સરકારને ચિંતિત કરી છે. મુખ્યમંત્રી આવતીકાલે મુલાકાત લઈ જાતે જ સ્થિતિની સમીક્ષા કરશે. હાલ રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે, જ્યારે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે સરકાર વળતર આપશે તેવી ખાતરી અપાઈ છે.

