New Delhi,તા.૬
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પછી ઘરે પરત ફર્યા છે. ગંભીર નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા જ્યાં તેમણે બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરી. આ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન ઐતિહાસિક રહ્યું અને ટીમ પાંચ મેચની શ્રેણી ૨-૨થી ડ્રો કરવામાં સફળ રહી. સોમવારે પાંચમી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને છ રનથી હરાવીને ભારતે શ્રેણી બરાબર કરી.
એરપોર્ટની બહાર, ગંભીરે કહ્યું, હું ખુશ છું અને મને લાગે છે કે ખેલાડીઓ તેના લાયક હતા. મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું. જોકે, માત્ર સિરાજ જ નહીં, પરંતુ આખી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. મારા માટે કોઈ એકનું નામ લેવું મુશ્કેલ છે, પરંતુ શુભમન હોય કે સિરાજ હોય કે બીજું કોઈ, મને લાગે છે કે છેલ્લા બે મહિનામાં બધાએ સારું પ્રદર્શન કર્યું છે.
શુભમન ગિલની કેપ્ટનશીપ અંગે, ગંભીરે કહ્યું, ’મને લાગે છે કે તેણે પોતાનું કામ શાનદાર રીતે કર્યું. હું એટલું જ કહી શકું છું. ગિલ ભારતીય ક્રિકેટ માટે સારું કામ કરવાનું ચાલુ રાખશે.’ ટેસ્ટ કેપ્ટન તરીકે ગિલની આ પહેલી શ્રેણી હતી અને તેણે કેપ્ટનશીપ તેમજ બેટિંગમાં પ્રભાવિત કર્યા.
ભારતીય ટીમના સભ્યોએ મંગળવારે સવારે ઘરે જતા પહેલા થોડો શાંત સમય વિતાવવાનું નક્કી કર્યું. લાંબી અને થકવી નાખનારી શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં નાટકીય જીત મેળવ્યા પછી, મોહમ્મદ સિરાજ સહિત ભારતીય ટીમના ઘણા સભ્યો ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં ત્યાંથી રવાના થઈ ગયા. ટીમના સભ્યો મંગળવારે દુબઈ પહોંચશે અને પછી ભારતમાં પોતપોતાના વતન જશે. અંતિમ ટેસ્ટમાં વિજયના શિલ્પી સિરાજ દુબઈ પહોંચ્યા પછી હૈદરાબાદ માટે આગામી ઉપલબ્ધ ફ્લાઇટ લેશે. અર્શદીપ સિંહ અને શાર્દુલ ઠાકુર પણ ઘરે પરત ફરનારાઓમાં સામેલ છે.
કેટલાક ખેલાડીઓએ વિરામ માટે ઇંગ્લેન્ડમાં રહેવાનું નક્કી કર્યું છે. ટીમના કેટલાક સભ્યો, જેમાં અર્શદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ થાય છે, લંડનના હૃદયમાં તેમના પરિવારો સાથે સમય વિતાવતા જોવા મળ્યા હતા. કુલદીપ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી પીયૂષ ચાવલા સાથે ફરતા જોવા મળ્યા હતા. કુલદીપ અને અર્શદીપને શ્રેણીમાં કોઈ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો.બીસીસીઆઇના એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ એક લાંબી અને વ્યસ્ત શ્રેણી રહી છે. ખેલાડીઓએ એકલા અથવા પરિવાર સાથે સમય વિતાવ્યો. મોટાભાગના ખેલાડીઓ ભારત પાછા જઈ રહ્યા છે, કેટલાક બીજે ક્યાંક જઈ રહ્યા છે.