Meerut ,તા.10
મુંબઈનાં કોમેડિયન સુનિલ પાલનું અપહરણ કરીને તેને 24 કલાક સુધી યુપીનાં પાંચ શખ્સોએ બંધક બનાવીને રાખ્યાં હતાં, તેઓ કોમેડી શો કરવાનાં બહાને સુનિલને મેરઠ લઈ ગયાં હતાં.
અપહરણકર્તાઓએ પાલને કહ્યું કે, તેઓ બેરોજગાર છે અને 20 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી, પરંતુ પાછળથી 7.5 લાખમાં સમાધાન થયું હતું. જેનો ઉપયોગ તેઓ ઘરેણાં ખરીદવા માટે કર્યો છે. આરોપીઓએ પાલને વચન આપ્યું હતું કે, નોકરી મળી જાય પછી તેઓ રકમ પરત કરી દેશે. અપહરણકારોએ તેને 20000 રૂપિયા રોકડા પણ આપ્યાં જેથી તે મુંબઈ ઘરે પરત જઈ શકે.
પાલે જણાવ્યું કે, “મને કંઈ અસામાન્ય લાગતું નહોતું કારણ કે બધું જ કાયદેસર હતું. તેઓએ ગયાં સોમવારે દિલ્હી એરપોર્ટ પરથી મને લેવા માટે એક કાર મોકલી હતી. મેરઠ પહોંચ્યાં પછી, 4-5 લોકો બળજબરીથી મને અન્ય વાહનમાં લઈ ગયાં અને મને ચેતવણી આપી કે તેમની પાસે ઝેર ભરેલું ઇન્જેક્શન છે અને જો હું કઈ પણ કરીશ તો મને મારી નાખશે.”
પાલે કહ્યું કે “તેઓએ મને મારી નાખવાની ધમકી આપી અને મને છોડવા માટે 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. મેં વાટાઘાટો કરી અને તેઓએ આપેલાં બે ખાતામાં 7.5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં હતાં. પાલે મુક્ત થયાં બાદ તરત જ મુંબઈનાં સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.
આ દરમિયાન, મેરઠની બે અગ્રણી જ્વેલરી શોપ, આકાશ ગંગા અને અક્ષત જ્વેલર્સે આ ઘટનામાં સંડોવાય હતી. અક્ષત જ્વેલર્સના માલિક અક્ષત સિંઘલે જણાવ્યું હતું કે, “બે વ્યક્તિઓએ અમારી દુકાનને આવ્યાં હતાં અને સુનિલ પાલના નામનો ઉપયોગ કરીને બે સોનાનાં સિક્કા અને એક સોનાની ચેઇન ખરીદી હતી. તેઓએ 2.25500 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા, જે કાયદેસર જણાતાં હતાં.
સિંઘલે કહ્યું કે, “બુધવારે, અમને મુંબઈ પોલીસ તરફથી એક કોલ આવ્યો, પરંતુ અમે તેને સંભવિત ડિજિટલ છેતરપિંડી તરીકે ફગાવી દીધો અને કોઈ માહિતી શેર કરી ન હતી. આના કારણે અમારા બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યાં હતાં. પરિસ્થિતિની ગંભીરતા સમજીને, અમે તરત જ પોલીસ ફરિયાદ નોંધાવી અને ખરીદદારોના સીસીટીવી ફૂટેજ આપ્યાં, અમને પાછળથી જાણવા મળ્યું કે, આ ખરીદી ખંડણીના પૈસાનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી અને આરોપીએ અન્ય જ્વેલર સાથે પણ આવું જ કર્યું હતું .”