New Delhi,તા.05
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માળખામાં તાજેતરમાં કરાયેલા ફેરફારોને કારણે તહેવારોની મોસમમાં ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે કટોકટી ભરેલી હરિફાઈ જોવા મળશે. ખાસ કરીને એસી, ફ્રીજ, ટીવી અને રોજબરોજ વપરાતી ચીજવસ્તુઓ પર જીએસટીમાં ઘટાડો થતા ગ્રાહકોને આકર્ષવા માટે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન રિટેલ કંપનીઓ નવી-નવી ઓફરો અને સ્કીમ્સ તૈયાર કરી રહી છે.
જીએસટી કાઉન્સિલની ૫૬મી બેઠકમાં કરાયેલા નિર્ણય અનુસાર હવે જીએસટીના માત્ર બે જ બેઝ દર – ૫ ટકા અને ૧૮ ટકા – લાગુ રહેશે, જ્યારે તમાકુ જેવા ઉત્પાદનો માટે ૪૦ ટકા દર નક્કી કરવામાં આવ્યો છે. આ નવો માળખો કંપનીઓ માટે ફરજપાલન કરવાનું સરળ બનાવશે અને તહેવારોના વેચાણમાં વધારો થવામાં મદદરૂપ બનશે, એવું ઈ-કોમર્સ કંપનીઓના પ્રવકતાઓએ જણાવ્યું છે.
ભાવમાં ઘટાડાના સીધા ફાયદા રૂપે તહેવારોમાં ઓનલાઈન સેલ્સમાં તેજી આવવાની અપેક્ષા છે. મોટા ઓનલાઈન રિટેલરોની વાર્ષિક આવકમાંથી લગભગ ૨૫ ટકા આવક દશેરા-દિવાળી જેવા તહેવારો દરમિયાન જ થઈ જાય છે. એથી જ તેઓ માટે આ સીઝન અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.
સરકારનો પણ ઉદ્દેશ ઘરઆંગણે માંગમાં વધારો કરવાનો છે. અમેરિકા દ્વારા ૫૦ ટકા જેટલા ટેરિફ લગાવવામાં આવ્યા પછી ભારતીય ઉત્પાદનોના નિકાસ બજારમાં ઘટાડો થવાની ચિંતાને ધ્યાનમાં રાખીને, સરકાર સ્થાનિક વેચાણને મજબૂત કરવા માંગે છે. ઓનલાઈન રિટેલ કંપનીઓ માને છે કે આ બદલાવ માત્ર કંપનીઓ માટે જ નહીં પરંતુ ગ્રાહકો માટે પણ લાભદાયી સાબિત થશે. તહેવારો નિમિત્તે ગ્રાહકો વધુ સસ્તા ભાવમાં ખરીદી કરી શકશે અને પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ માટે આગોતરી યોજના બનાવી શકશે.