Kutchતા.૮
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પો પર સ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.
આ વચ્ચે કચ્છ જિલ્લામાં આજે પાકિસ્તાન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો હતો. આ વચ્ચે કચ્છ જિલ્લાના દરિયાઈ વિસ્તાર માટે મોટો નિર્ણય લેવાયો છે.
ભારત અને પાડોશી દેશ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કચ્છના ત્રણ બંદરો પર માછીમારી કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારના જાહેરનામા પ્રમાણે કચ્છના ત્રણ મત્સ્ય બંદર ૧. નારાયણ સરોવર, ૨. જખૌ અને ૩. લખપતના દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ માછીમારી પર તત્કાલ અસરથી આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એટલે કે આગામી આદેશ સુધી આ જગ્યાઓ પર માછીમારો માછીમારી કરી શકશે નહીં.
જે લોકો આ જાહેરનામાનો ભંગ કરશે તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-૨૦૦૩ની કલમ-૭ની પેટા કલમ ૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, કચ્છ-ભુજ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે.