New Delhi,તા.15
ભારતમાં સેટેલાઈટ ટેલીકોમ્યુનીકેશનમાં અમેરિકી ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની સ્ટાર લીંકના આગમનમાં રીલાયન્સ જીયો અને એરટેલ જોડાયા પણ હજું સ્ટારલીંકને ભારતીય સેવા અંગે કેન્દ્ર સરકારે જે શરતો મુકી છે તેમાં તે કેટલી સ્વીકારશે કે પછી કેન્દ્ર સરકાર વધુ છુટછાટ આપશે તેના પર સૌની નજર છે.
સૌપ્રથમ તો સ્ટારલીંકને જે સેટેલાઈટ-સ્પેકટ્રમ આપવાનો મુદો છે તેમાં કંપની 20 વર્ષના લાંબાગાળા સુધી લાયસન્સ માંગ્યુ છે પણ ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડીયાએ વધુમાં વધુ પાંચ વર્ષની ભલામણ કરી છે.
આ ઉપરાંત સ્ટારલીંકની સેવામાં સરકાર તેનુ નિયંત્રણ માંગે છે. જેમકે અશાંત ક્ષેત્રમાં કે કોઈ ખાસ સ્થિતી સમયે જે રીતે ઈન્ટરનેટ-મોબાઈલ સેવા બંધ કરવા સરકાર ફરજ પાડે છે. તે આદેશ સ્ટારલીંકને પણ લાગુ કરવા માંગે છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા કે તેવા કારણોથી જે રીતે સરકાર મોબાઈલ-કોલ-ડેટા વિ. આંતરવાની સતા ધરાવે છે તેમાં પણ સ્ટારલીંકે સહમત થવુ પડશે. આ માટે ભારતમાં જ એક કંટ્રોલ સેન્ટર ઉભુ કરવા સ્ટારલીંક સહમત થાય તે જરૂરી છે.
જેથી સરકારના આદેશ સાથે જ મોબાઈલ-ઈન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી શકાય અને સરકાર માંગે તે ડેટા પણ એલન મસ્કની કંપનીએ આપવા પડશે. જે રીતે અમેરિકા કે પશ્ચિમના દેશોમાં આ પ્રકારની સેવા માટે સ્ટારલીંક કે વિદેશી ટેલીકોમ કંપનીઓ સ્વતંત્રતા ધરાવે છે. તે ભારતમાં આપી શકાશે નહી.