Vadodara,તા.15
વડોદરા શહેરની મધ્યમાં આવેલી ઐતિહાસિક માંડવી ઇમારતને બચાવવા માટે શહેર કોંગ્રેસ દ્વારા આજે દેખાવો કરવામાં આવતા પોલીસે કોંગ્રેસના શહેર પ્રમુખ, આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. માંડવીના એક પિલરમાં છેલ્લા કેટલાક સમયથી ઉભી તિરાડ પડતા હાલ ગર્ડરના ટેકા મૂકી રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કામ બંધ છે. આજે સવારે હાથમાં પ્લે કાર્ડ લઈ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો માંડવી પહોંચ્યા હતા.
‘માંડવી બચાવો’, ‘સ્થાપત્યોની જાળવણી કરો’, ‘શહેરની શોભાસમ વિરાસતો બચાવો’, ‘ન્યાયમંદિર બચાવો’ જેવા સૂત્રો લખેલા પ્લે કાર્ડ દર્શાવી તંત્રની બેદરકારી સામે વિરોધ ચાલુ કરવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષ કોંગ્રેસના કોર્પોરેશનના નેતા એ જણાવ્યું હતું કે સયાજીરાવના આ ઐતિહાસિક વારસાને જાળવવામાં શાસકો નિષ્ફળ રહ્યા છે. વડોદરામાં ઐતિહાસિક બાંધકામોની જાળવણી કઈ રીતે થઈ શકે તેના નિષ્ણાતો અને ટેકનિકલ જાણકારો પણ છે, તો તેની મદદ લઈને માંડવી ઇમારતને હવે વધુ કોઈ નુકસાન થાય તે પહેલા બચાવવી જોઈએ. આ દેખાવો સમયે ભાજપના પણ કેટલાક કાર્યકરો અને માજી કોર્પોરેટરો અહીં ઉપસ્થિત હતા. તેઓએ કોંગ્રેસના આ દેખાવોને ચૂંટણીલક્ષી ગણાવ્યા હતા, અને જણાવ્યું હતું કે માંડવીની કામગીરી માટે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી છે.