New Delhi તા.16
ભારતીય અદાલતો તારીખ પે તારીખ માટે જાણીતી છે અને અનેક કેસો દસકાઓ સુધી ચાલે છે અને અંતે તેમાં જેના પર આરોપીનું લેબલ લાગેલુ હોય છે તેનો નિર્દોષ છુટકારો પણ થાય છે તે સમસ્યાની સાથે અંડર ટ્રાયલ કેદીઓ એટલે કે કાચા કામના કેદીઓથી દેશની જેલો ઉભરાઈ રહી છે.
આ સંજોગોમાં એક મહત્વના ચૂકાદામાં સર્વોચ્ચ અદાલતે કોઈ અપરાધમાં લાંબા સમય સુધી જેલમાં રહ્યા બાદ તેમાં તપાસની ક્ષતિઓ અપૂરતા પૂરાવાઓ અને મહત્વના સાક્ષીઓની તપાસ નહી થવાના કારણે જેને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડયું હોય અને બાદમાં તેનો નિર્દોષ છુટકારો થયો હોય તેને બીન જરૂરી રીતે જીવનના અનેક વર્ષો જેલમાં વિતાવવા પડયા તે બદલ વળતર આપવાની ફોર્મ્યુલા ઉપર વિચાર કરવા ભલામણ કરવામાં આવી છે.
આ કેસમાં એક યુગલની હત્યાના આરોપમાં એક વ્યકિતને 2011માં ઝડપવામાં આવ્યો હતો અને તેના પર અદાલતી કાર્યવાહી બાદ ફાંસીની સજાનો ચૂકાદો આપવામાં આવ્યો હતો અને હાઈકોર્ટે પણ તે માન્ય રાખ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસ આવતા સર્વોચ્ચ અદાલતે તેમાં તપાસની ક્ષતિઓના કારણે આ વ્યકિતને નિર્દોષ જાહેર કર્યો હતો પરંતુ 2011થી આજ દિન સુધી તેને જે રીતે 15 વર્ષ જેલમાં રહેવું પડયું તે અંગે પણ પ્રશ્નઉઠાવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથની ખંડપીઠે તેમના ચૂકાદામાં કટ્ટાવલી ઉર્ફે દેવાકર જેને હત્યાના આરોપસર ઝડપવામાં આવ્યો હતો તે કેસની પ્રક્રિયામાં પોલીસ દ્વારા તપાસમાં અનેક ક્ષતિઓ અને મહત્વના સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી ન હતી તે તમામ મુદાઓના આધારે તેને મુકત કર્યો હતો.
તે સમયે ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે લખ્યું કે, હવે આપણે વિદેશી ન્યાયતંત્રની જેમ એ પહેલુ પર વિચારવાની જરૂર છે કે જયારે જેમને લાંબા સમય સુધી કોઈ કારણ વગર અથવા તપાસની કોઈ ક્ષતિના કારણે જેલમાં રહેવું પડયું હોય તેમને વળતર આપવાની પધ્ધતિ પર સંસદે વિચારવું જોઈએ.
સર્વોચ્ચ અદાલતે લખ્યું કે સજા માટે કોઈ કારણ ન હોવા છતાં લાંબો સમય જેલમાં વિતાવનારને અમેરિકામાં કાનૂની રીતે વળતર ચુકવવાની જોગવાઈ છે અને ભારતમાં પણ આ પ્રકારે વળતરનો હકક કાનૂની બનવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ માટે સીવીલ અને ક્રિમીનલ બન્ને પ્રકારના ગુના માટે કાનૂનની જરૂરીયાત દર્શાવી હતી.
જણાવ્યું હતું કે, આ કેસમાં જે શસ્ત્રથી હત્યા કરવામાં આવી હોવાનું જણાવાયું છે તેના ઉપર લોહીના કોઈ ડાઘ મળ્યા ન હતા. અને તબીબે પણ અભિપ્રાય આપ્યો હતો કે હત્યામાં આ શસ્ત્રનો ઉપયોગ થયો નથી એટલુ જ નહીં ઘટનાસ્થળેથી લોહી કે શુક્રાણુઓના કોઈ ફોરેન્સીક પૂરાવા મેળવાયા નથી અને મહત્વપૂર્ણ સાક્ષીઓને તપાસવામાં આવ્યા ન હતા.
આમ સમગ્ર તપાસ ક્ષતિયુકત કરવામાં આવી હતી અને તેમ છતા પણ તે વ્યકિતને મૃત્યુદંડ સુધીની સજાની જાહેરાત કરવામાં આવી. ફકત ફરીયાદ પક્ષ આરોપી સામેનો કોઈ પણ ભોગે કેસ સાબીત કરવા માંગતા હોય તેવું જણાયું છે.
સર્વોચ્ચ અદાલતે તે મુદ્દે ચુકાદાની કોપી તમામ રાજયોના પોલીસવડાઓને મોકલવા પણ જણાવ્યું છે. જેનાથી ભવિષ્યની તપાસમાં આ પ્રકારની ક્ષતિઓ સામે સાવધ રહી શકાય.સર્વોચ્ચ અદાલતે પોતાના મહત્વપૂર્ણ ચૂકાદામાં આ પ્રકારની ફોજદારી તપાસમાં ડીએનએ ચકાસણીની ભૂમિકા અંગે પણ મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અપરાધના સ્થળેથી જે ડીએનએ સેમ્પલ લેવામા આવે છે તેની ચકાસણી માટે પણ એક નિર્ધારીત પ્રક્રિયા હોવી જોઈએ.
તપાસ અધિકારીને તે માટેની ગાઈડલાઈનને અનુસરવું ફરજીયાત બનવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે આ માટે પોતાના ચૂકાદામાં ડીએનએ ટેસ્ટીંગ પ્રક્રિયામાં સેમ્પલ લેવાથી લઈને તેમાં લેબો.
પરીક્ષણ અને તેના રીપોર્ટ તમામ સબંધમાં એક વિસ્તૃત ગાઈડલાઈન પણ તેના ચૂકાદામાં રજૂ કરી હતી અને તે મુજબ પોલીસ અધિકારીઓને તાલીમ આપવા માટે ટ્રેનીંગ મીકેનીઝમ ગોઠવવા અને વધુ સારી ટેકનોલોજી અને સાધનોની મદદથી ડીએનએ પ્રક્રિયાને અનુસરવા માટે જણાવ્યું હતું.
સર્વોચ્ચ અદાલતે તેના આ ચૂકાદાની નકલ તમામ રાજયોના પોલીસવડાને મોકલવા પણ આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે રાજયોએ તેના ઉપર ગંભીરતાથી આગળ વધવું જોઈએ.