New Delhi,તા.21
સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવખન્ના અંગે વિવાદીત ટિપ્પણી કરનાર ભાજપના સાંસદ નીશીકાંત દુબેની મુશ્કેલી વધે તેવા સંકેત છે. સુપ્રીમકોર્ટના એક સીનીયર ધારાશાસ્ત્રીએ એટર્ની જનરલ આર.વેંકટરમનને એક પત્ર લખીને દુબે સામે સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના અપમાન બદલની કાર્યવાહી શરુ કરવા સહમતી માંગી છે.
દુબેએ શનિવારે એવુ વિધાન કર્યુ હતું કે, દેશમાં જો ગૃહ યુદ્ધ શરુ થશે તો તેના માટે ચીફ જસ્ટીસ સંજીવખન્ના જવાબદાર છે. એટર્ની જનરલને લખેલા પત્રમાં ધારાશાસ્ત્રી અનીશ તનવીર એ જણાવ્યું છે કે આ ખૂબજ વાંધાજનક અને ખતરનાક ટિપ્પણી છે.
જેથી દુબે સામે બદનક્ષીના કાનૂનની કલમ 15(1)(બી) હેઠળ કેસ ચાલવો જોઈએ તથા તેમનું સાંસદ તરીકેનું સભ્યપદ પણ રદ થવું જોઈએ. હાલમાં જ સુપ્રીમકોર્ટે જે રીતે વકફ કાનૂન મુદે સરકારને કેટલીક જોગવાઈઓ હાલ લાગુ નહી કરવા આદેશ આપ્યો હતો.
તે સંદર્ભે દુબેએ આ વિધાન કર્યુ હતું. જો કે ભાજપે તેને વ્યક્તિગત ગણાવીને પક્ષ આવુ માનતો નથી તેવુ દાવો કર્યો છે પણ દુબેના વિધાનની વ્યાપક ટિકા થઈ રહી છે.