મોદી ૮ નવેમ્બરના રોજ વારાણસીમાં એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે
Varanasi, તા.૬
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૮ નવેમ્બરના રોજ સવારે ૮ઃ૧૫ વાગ્યે તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં એક સાથે ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો વારાણસી અને ખજુરાહો, લખનૌ અને સહારનપુર, ફિરોઝપુર અને દિલ્હી અને એર્નાકુલમ અને બેંગલુરુ વચ્ચે દોડશે. આ નવી ટ્રેનો દેશના મુખ્ય સ્થળો વચ્ચે મુસાફરીનો સમય ઘટાડશે અને પ્રાદેશિક ગતિશીલતામાં વધારો કરશે, જેનાથી દેશભરમાં પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિમાં વધારો થશે.
વારાણસી-ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ આ રૂટ પર સીધી કનેક્ટિવિટી સ્થાપિત કરશે, જે હાલમાં કાર્યરત વિશેષ ટ્રેનોની તુલનામાં લગભગ ૨ કલાક અને ૪૦ મિનિટ બચાવશે. વારાણસી-ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ ભારતના કેટલાક સૌથી આદરણીય ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળો, જેમાં વારાણસી, પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહોનો સમાવેશ થાય છે તેને જોડશે.
લખનૌ-સહારનપુર વંદે ભારત એક્સપ્રેસ લગભગ ૭ કલાક અને ૪૫ મિનિટમાં મુસાફરી પૂર્ણ કરશે, જેનાથી લગભગ ૧ કલાકનો મુસાફરી સમય બચશે. લખનૌ-સહારનપુર વંદે ભારત એક્સપ્રેસ લખનૌ, સીતાપુર, શાહજહાંપુર, બરેલી, મુરાદાબાદ, બિજનૌર અને સહારનપુરના મુસાફરોને નોંધપાત્ર ફાયદો પહોંચાડશે, અને રૂડકી થઈને હરિદ્વાર સુધીની પહોંચમાં પણ સુધારો થશે.
ફિરોઝપુર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન હશે. જે ફક્ત ૬ કલાક અને ૪૦ મિનિટમાં તેની મુસાફરી પૂર્ણ કરશે. ફિરોઝપુર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ રાષ્ટ્રીય રાજધાની અને પંજાબના મુખ્ય શહેરો ફિરોઝપુર, ભટિંડા અને પટિયાલા વચ્ચે જોડાણને મજબૂત બનાવશે.
દક્ષિણ ભારતમાં એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત ટ્રેન મુસાફરીના સમયમાં ૨ કલાકથી વધુ ઘટાડો કરશે. જે ૮ કલાક અને ૪૦ મિનિટમાં મુસાફરી પૂર્ણ કરશે. એર્નાકુલમ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ મુખ્ય આઇટી અને વાણિજ્યિક કેન્દ્રોને જોડશે, જે વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી વિકલ્પો પ્રદાન કરશે. આ માર્ગ કેરળ, તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે આર્થિક પ્રવૃત્તિ અને પર્યટનને વેગ આપશે, પ્રાદેશિક વિકાસ અને સહયોગને પ્રોત્સાહન આપશે.

