New York,તા.5
એક મર્ડર કેસમાં ખોટી રીતે દોષિત ઠેરવવામાં આવતા નિર્દોષ હોવા છતાંય અમેરિકાની જેલમાં 43 વર્ષ કાઢનારા મૂળ ઈન્ડિયન એવા સુબ્રમન્યન વેદમના ડિપોર્ટેશન પર કોર્ટે સ્ટે આપી દીધો છે.
સુબુ તરીકે ઓળખાતા 64 વર્ષના આ ઈન્ડિયનને મર્ડર કેસમાં કોર્ટ દ્વારા સંભળાવાયેલી સજા રદ થયા બાદ તેઓ ગયા મહિને જ જેલમાંથી છૂટ્યા હતા. જોકે, ક્રિમિનલ ચાર્જિસ પડતા મૂકાયા બાદ જેલમાંથી બહાર આવતા જ તેમની ICE દ્વારા ઈમિગ્રેનના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી હતી.
પેન્સિલવેનિયાના સુબુ હાલ લ્યૂઝિયાનામાં આવેલી ICEની જેલમાં કેદ છે, આમ તો તેઓ ગ્રીન કાર્ડ પર અમેરિકા ગયા હતા પરંતુ ભૂતકાળમાં એક ડ્રગ્સ કેસમાં તેમણે ગુનો સ્વીકાર્યો હોવાથી 1980માં તેમનો ફાઈનલ રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ થઈ ગયો હતો.
તે વખતે તેઓ મર્ડર કેસમાં જેલમાં હોવાથી આ ઓર્ડરને ચેલેન્જ નહોતા કરી શક્યા અને તેના કારણે જ તેમને ઓક્ટોબર 2025માં અરેસ્ટ કરી ઈન્ડિયા ડિપોર્ટ કરી દેવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.
સુબુને હાલ જે જેલમાં રખાયા છે તેમાં એરસ્ટ્રીપ પણ છે અને ત્યાંથી ડિપોર્ટેશન ફ્લાઈટ્સ પણ મોકલવામાં આવે છે. જોકે, ગત ગુરુવારે ઈમિગ્રેશન જજે તેમના ડિપોર્ટેશન પર સ્ટે આપતા એવું જણાવ્યું હતું કે બ્યૂરો ઓફ ઈમિગ્રેશન અપીલ્સ તેમના કેસનો રિવ્યૂ કરવા અંગે કોઈ નિર્ણય ના લે ત્યાં સુધી તેમને અમેરિકાની બહાર નહીં મોકલી શકાય. પેન્સિલવેનિયાની ફેડરલ કોર્ટે પણ તે જ દિવસે સુબુના ડિપોર્ટેશન પર રોક લગાવી દીધી હતી.
સુબુ પર પોતાના એક દોસ્તની હત્યા કરવાનો આરોપ હતો, પરંતુ ફરિયાદ પક્ષ ના તો હત્યાનો મોટિવ પ્રસ્થાપિત કરી શક્યો હતો કે ના તો જે વેપનથી મૃતકને ગોળી મારવામાં આવી હતી તે રિકવર થઈ શક્યું હતું. એટલું જ નહીં, મૃતકને જે ગોળી વાગી હતી અને જે વેપનથી ફાયરિંગ થયું હોવાનું જણાવાયું હતું તે પણ એકબીજા સાથે મેચ નહોતા થતા.

