શપથ ગ્રહણ કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યાં હતા
New Delhi,તા.૧૨
દેશના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને ૧૫મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ અનો ગોપનિયતાના શપથ અપાવ્યા છે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં પીએમ મોદી, અમિત શાહ સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યાં હતા. આ દરમિયાન રાજીનામું આપનાર પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ જોવા મળ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર રાધાકૃષ્ણને જીત મેળવી હતી. તેમને ચૂંટણીમાં ૪૫૨ મત મળ્યા હતા. જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીએ ૧૫૨ મતથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિપક્ષના ઉમેદવારને ૩૦૦ મત મળ્યા હતા.સીપી રાધાકૃષ્ણને એક દિવસ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ અને હામિસ અંસારી પણ હાજર રહ્યાં હતા.
દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર કોઈ કાર્યક્રમમાં જોવા મળ્યા છે. તેમણે ૨૧ જુલાઈએ અચાનક સ્વાસ્થ્યનો હવાલો આપતા ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામાના લગભગ ૫૩ દિવસ બાદ ધનખડ કોઈ કાર્યક્રમમાં જોવા મળ્યા છે. રાધાકૃષ્ણનની જીત પછી પણ રાધાકૃષ્ણનનો આગળનો રસ્તો સરળ રહેશે નહીં. તેમની સામે ઘણા પડકારો છે જેના પર તેમણે ખૂબ મહેનત કરવી પડશે. આજે અમે તમને તેમાંથી કેટલાક સૌથી મોટા પડકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએઃ
ઉપરાષ્ટ્રપતિએ શાસક અને વિપક્ષ વચ્ચે તટસ્થ રહેવું પડે છે. વિપક્ષ ઘણીવાર આ પદ સંભાળનારા લોકો પર પક્ષપાતનો આરોપ લગાવે છે. રાધાકૃષ્ણનને તેમની નિષ્પક્ષતા સાબિત કરવા માટે દરેક પગલા પર સાવચેત રહેવું પડશે.
રાજ્યસભામાં સાંસદો વચ્ચે તીક્ષ્ણ દલીલો અને અંધાધૂંધી ઉપરાષ્ટ્રપતિની ભૂમિકાને મુશ્કેલ બનાવે છે. ઘણી વખત એવા કિસ્સાઓ બન્યા છે જ્યારે વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા જેવા પગલાં વિવાદ તરફ દોરી ગયા છે. આવી સ્થિતિમાં રાધાકૃષ્ણનને ધીરજ અને કડકાઈનું સંતુલન રાખવું પડશે.ઉપરાષ્ટ્રપતિનું પદ બંધારણીય ગરિમાનું પ્રતીક છે. આ પદ સંભાળનાર વ્યક્તિને પોતાના કાર્યો દ્વારા આ ગરિમાનું રક્ષણ કરવા માટે ઘણું ધ્યાન આપવું પડશે. રાધાકૃષ્ણને આ ગરિમા જાળવવી પડશે.
આ બધા પડકારો વચ્ચે, સીપી રાધાકૃષ્ણન પાસે ઉપરાષ્ટ્રપતિ તરીકે બંધારણીય જવાબદારીઓ નિભાવવાની પણ એક સુવર્ણ તક છે. તેમની ભૂમિકા માત્ર સંસદની કાર્યવાહીને સરળ બનાવવાની જ નહીં, પરંતુ દેશની બંધારણીય અને રાજદ્વારી ગરિમા વધારવાની પણ છે. જો તેઓ નિષ્પક્ષતા, ધીરજ અને બંધારણીય મૂલ્યો સાથે કામ કરશે, તો તેઓ શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સંતુલન જાળવવામાં ચોક્કસપણે સફળ થશે, અને આ પદ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે.