New Delhi,તા.12
કોરોના કાળ બાદ બેન્કોએ જે રીતે છુટ્ટાહાથે ક્રેડીટકાર્ડથી પર્સનલ લોન સહિતના ‘અનસિકયોર્ડ’ કેટેગરીના ધિરાણો આપ્યા હતા તેમાં હવે ડિફોલ્ટની સ્થિતિ બેન્કો માટે ચિંતા વધારી દીધી છે અને હવે પ્રી-એપ્રુવ્ડ-પર્સનલ લોન તથા ક્રેડીટ કાર્ડ માટે નવા કડક નિયમો અમલમાં મુકયા છે.
તો અનેક બેન્કોએ મોર્ગેજ લોનમાં લોન-ટુ-વેલ્યુ એટલે કે થાલમાં મુકાનારી મિલ્કત સામે લોનની રકમનો રેશિયો વધારી દીધો છે. ચાલુ વર્ષમાંજ જૂન માસથી ક્રેડીટ કાર્ડ ડિફોલ્ટર્સનો વધારો થયો છે. માર્ચ 2023માં જે ડિફોલ્ટનું પ્રમાણ 1.6% હતું તે હવે 1.8% થયુ છે. જયારે ગ્રાહક ક્રેડીટ લોન જે લાઈવ લોન તરીકે ઓળખવામાં આવે છે તેમાં પણ ડિફોલ્ટનું પ્રમાણ વધ્યુ છે.
હવે બેન્કોએ ક્રેડીટ સ્કોરમાં વધારો કરીને લોન અરજીમાં 720ના સ્થાને 750 ક્રેડીટ સ્કોરની લઘુતમ આવશ્યકતા નિશ્ર્ચિત કરી છે તો રાઈટ ઓફ કરવામાં ઝીરો ટોલરન્સ નીતિનો ઉપયોગ શરૂ કર્યો છે. રાજયના જ એક રીપોર્ટ મુજબ પર્સનલ લોનમાં એજયુકેશન લોન ડિફોલ્ટનું પ્રમાણ વધુ છે. જેમાં અભ્યાસ બાદ નોકરી નહી મળવા કે ઓછા પગારની નોકરીનો વિકલ્પ મજબૂરીથી સ્વીકારવાના કારણે આ ધિરાણના રીપેમેન્ટ પર અસર થઈ છે.
જો કે પર્સનલ લોનમાં હાઉસીંગ લોનનું પ્રમાણ 36% વધ્યુ છે. ક્રેડીટ કાર્ડ ધિરાણ 25.2% એજયુકેશન લોન 20.5% અને અન્ય પર્સનલ લોન 14.9% વધ્યા છે જે ઉપરાંત વ્હીકલ લોનનું પ્રમાણ 18.3% વધ્યુ છે. ખાસ કરીને ખાનગી બેન્કોના કુલ ધિરાણમાં 50% હિસ્સો પર્સનલ લોનનો છે. બેન્કોના આ એનપીએની વધતી જતી સ્થિતિથી રિઝર્વ બેન્કે તમામ બેન્કો અને એનબીએફસીને પર્સનલ લોનની વહેચણીમાં બ્રેક મારવા બેન્કોને મજબૂર કરી હતી.
માર્ચ 2021થી માર્ચ 2023 સુધીમાં પર્સનલ લોન 47% વધી હતી અને તેની અસર હવે બેન્કોની રીકવરી પર પડી રહી છે. રીઝર્વ બેન્કના ડેટા મુજબ ક્રેડીટ કાર્ડ ધિરાણ રૂા.2.4 લાખ કરોડને પહોંચી ગયું હતું. તેમાં હવે ડિફોલ્ટ વધી રહ્યા છે. એક અંદાજ મુજબ 75% ગ્રાહકોએ કન્ઝમર્સ ડયુરેબલ ખરીદવા માટે ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
ખાસ કરીને માઈક્રો ફાયનાન્સમાં 2 લાખ કે તેથી વધુ લોન ધારક એક સાથે ચાર-ચાર લોનના રીપેમેન્ટ કરતા હતા તે હવે ડિફોલ્ટ બનવા લાગ્યા છે. ખાસ કરીને બજારોમાં મંદીની સ્થિતિ જોવા મળે છે અને ગ્રામીણ ક્ષેત્રમાં ઘરેલુ આવક ઘટી છે. બેન્કોની આ નાણાકીય વર્ષના બેલેન્સશીટ પર તેની અસર થશે.