Rajkot,તા.27
મુંજકા નજીક અકસ્માત સર્જી બાઈક પર પતિ અને બાળક સાથે જઈ રહેલી પરણીતાને મોતને ઘાટ ઉતારી દેનાર મુંજકા ગામના પૂર્વ સરપંચ જયેશ જાદવ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
મામલામાં મુંજકા ગામ નજીક વેજાગામ રોડ પર રહેતા સતિષભાઈ બીજલભાઈ પરમાર નામના 32 વર્ષીય યુવાને યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.21-06-2025 ની રાત્રે 10:30 વાગ્યાના અરસામાં હું વેજાગામ વાડી વિસ્તારમાં ટ્રેક્ટર ચલાવતો હતો. ત્યારે મારા મોટાભાઈ ભરતભાઈનો મને ફોન આવેલ કે, હું તથા મારી પત્ની મનુબેન અને દીકરો યુવરાજ મારું મોટર સાયકલ સ્પ્લેન્ડર લઈને અમારા ઘરેથી તમારી વાડીએ આવવા નીકળેલ હતા. દરમિયાન આર્ષ વિદ્યામંદિર નજીક પહોંચતા ફોર વ્હીલ કાર ટાટા હેરિયર જેના નંબર જીજે-03- એનપી-9651 ના ચાલકે પાછળથી અમને ટક્કર મારી મારી હતી તેના લીધે અમે ત્યાં રોડ ઉપર જ પડી ગયા હતા અને આ અકસ્માતમાં અમને ત્રણેયને ઇજા થયેલ છે, તેમજ આ અકસ્માત સર્જનાર આપણા ગામના જયેશભાઈ દેવરાજભાઈ જાદવ છે તેવી વાત કરી હતી
જેથી હું મારી પત્ની જોસનાબેન સાથે તાત્કાલિક આર્ષ વિદ્યામંદિર ખાતે પહોંચ્યો હતો. જ્યા આર્ષ વિદ્યામંદિરથી થોડે આગળ નાલા પાસે કાળા રંગની ફોર વ્હીલ કાર હેરિયર જેના નંબર જીજે-03-એનપી-9651 પડેલ જોવા મળી હતી અને ફોરવ્હીલની આગળના ભાગે સ્પલેન્ડર મોટરસાયકલ જેના નંબર જીજે-03-બીજે-3232 પણ પડેલ હતું. અને તેમને આઈસીમાં દાખલ કરેલ હતા. બાદમાં મનુબેનને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તા.24-06-2025 ના રોજ રાત્રિના અગિયાર વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મનુબેન ભરતભાઈ પરમાર (ઉ.વ.37)ને તબીબે મૃત જાહેર કર્યા હતા. જેથી અકસ્માત સર્જનાર હેરિયર કારના ચાલક જયેશ દેવરાજભાઈ જાદવ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.યુનિવર્સિટી પોલીસે મુંજકા ગામના પૂર્વ સરપંચ એવા કારચાલક જયેશ દેવરાજભાઈ જાદવ વિરુદ્ધ બીએનએસની કલમ 281,106(1), 125(એ),125(બી) તેમજ એમવી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.