ડ્રગ્સ વેચીને આતંકવાદીઓને મદદ કરવા બદલ ૬ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી
Jammu Kashmir, તા.૩
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ફંડિંગ સંબંધિત એક રેકેટનો પર્દાફાશ થયો છે. ડ્રગ્સ વેચીને આતંકવાદીઓને મદદ કરવા બદલ ૬ સરકારી અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં પાંચ પોલીસકર્મી અને એક શિક્ષકનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ સરકારી કર્મચારીઓ પાકિસ્તાનની ૈંજીૈં ના નાર્કો ટેરર નેટવર્કનો ભાગ હતા.
મળતી માહિતી મુજબ, આ લોકો જમ્મુ-કાશ્મીરમાં ગેરકાયદે ડ્રગ્સના વેપારમાં મદદ કરતા હતા અને તેમાંથી મળતા ફંડનો ઉપયોગ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો આતંક ફેલાવવા માટે કરે છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર ડ્રગ્સના વેચાણ દ્વારા આતંકવાદી ફંડિંગમાં સામેલ છ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓની ઓળખ કોન્સ્ટેબલ ફારૂક અહેમદ શેખ, કોન્સ્ટેબલ ખાલિદ હુસૈન શાહ, કોન્સ્ટેબલ રહેમત શાહ, કોન્સ્ટેબલ ઈર્શાદ અહેમદ ચાકુ, કોન્સ્ટેબલ સૈફ દીન અને સરકારી ઈન્સ્પેક્ટર નજમ દીન તરીકે કરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બંધારણની કલમ ૩૧૧(૨)નો ઉપયોગ કરીને આ તમામને તાત્કાલિક સેવામાંથી હટાવી દીધા છે. બંધારણમાં આ અનુચ્છેદ હેઠળ જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ દેશની સુરક્ષા સાથે ખેલ કરે છે, તો રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ તેને કોઈપણ જાતની તપાસ વિના તરત જ સેવામાંથી હટાવી શકે છે.
૨૦૧૯માં કલમ ૩૭૦ હટાવ્યા બાદ અત્યાર સુધીમાં ૭૦ સરકારી કર્મચારીઓને આવા જ આરોપ સાથે બરતરફ કરવામાં આવ્યા છે. ગયા મહિને બે પોલીસકર્મીઓ સહિત ચાર સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બંનેની ઓળખ કોન્સ્ટેબલ મુશ્તાક અહેમદ પીર અને ઈમ્તિયાઝ અહેમદ લોન તરીકે થઈ હતી. દરમિયાન, શિક્ષણ વિભાગમાં કામ કરતા જુનિયર આસિસ્ટન્ટ અહેમદ મીર અને ગ્રામીણ વિકાસ વિભાગના મોહમ્મદ ઝૈદને બરતરફ કરવામાં આવ્યા હતા.
કેસની તપાસ કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે આ તમામ આતંકી સંગઠનો માટે કામ કરતા હતા. ગુપ્તચર એજન્સીઓએ તેમના વિશે માહિતી મેળવી હતી. બ્રાઉન સુગર અને હેરોઈન પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં સ્મગલ કરવામાં આવે છે. આતંકવાદી સંગઠનો માટે ભંડોળ એકત્ર કરવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે.