New Delhi,તા.18
રશિયા પાસેથી ભારતની ક્રુડ તેલની ખરીદીને લઈને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે રોજેરોજ કોઈને કોઈ બળાપો કાઢે છે ત્યારે ટ્રમ્પના આ ધમપછાડાની ભારત પર ખાસ અસર થતી નહીં હોવાનું દેશની ક્રુડ તેલની આયાતના આંકડા પરથી કહી શકાય એમ છે.
પ્રાપ્ત ડેટા પ્રમાણે છેલ્લા ત્રણ મહિનાથી વિપરીત ઓકટોબરના પ્રથમ પખવાડિયામાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાતમાં વધારો જોવા મળ્યો છે. આ અગાઉના જુલાઈથી સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં આયાતમાં ઘટાડો જોવા મળ્યો હતો. રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત જે જૂનમાં પ્રતિ દિન વીસ લાખ બેરલ રહી હતી તે સપ્ટેમ્બરમાં ઘટી ૧૬ લાખ બેરલ આવી ગઈ હતી. જો કે ઓકટોબરમાં રશિયાના ઉરલ્સ તથા અન્ય પ્રકારના ક્રુડ તેલની આયાતમાં વધારો થયો છે. રશિયા દ્વારા ઓફર કરાતા ઊંચા ડિસ્કાઉન્ટ તથા પશ્ચિમી દેશોમાં નબળી માગને પરિણામે ભારત ખાતે પૂરવઠામાં વધારો થયો છે, એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.
પ્રાપ્ત ડેટા પ્રમાણે ઓકટોબરના પ્રથમ પખવાડિયામાં રશિયા ખાતેથી ક્રુડ તેલની આયાત વધી પ્રતિ દિન ૧૮ લાખ બેરલ જોવા મળી રહી છે. જે સપ્ટેમ્બરની સરખામણીએ વીસ લાખ બેરલ વધુ છે.
બે દિવસ પહેલા જ ટ્રમ્પે નિવેદન કર્યું હતું કે નરેન્દ્ર મોદીએ રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદી નહીં કરવાની પોતાને ખાતરી આપી છે. જો કે વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ટ્રમ્પ તથા મોદી વચ્ચે આવી કોઈ ચર્ચા થઈ હોવાની જાણ નહીં હોવાનું જણાવ્યું હતું.
જો કે વિશ્લેષકો ટ્રમ્પના આ નિવેદનને પ્રેશર ટેકટિસ તરીકે જોઈ રહ્યા છે. જેથી વેપાર વાટાઘાટમાં અમેરિકા લાભ ઉઠાવી શકે. રશિયાના ક્રુડ તેલની ખરીદી અટકાવી દેવા કોઈ સૂચના અપાઈ નહીં હોવાનું ભારતના રિફાઈનરો જણાવી રહ્યા છે.
ઓકટોબરમાં પણ રશિયા ભારતનું ટોચનું ક્રુડ ઓઈલ પૂરવઠેદાર બની રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.રશિયા બાદ અંદાજે દસ લાખ બેરલ પ્રતિ દિન સાથે ઈરાક બીજો મોટો પૂરવઠેદાર દેશ જોવા મળી રહ્યો છે, જ્યારે સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે અને ૬.૪૭ લાખ બેરલ સાથે અમેરિકા ચોથા ક્રમે રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.